રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં તારાજી પીવાના પાણી અને ખોરાક માટે લોકોને ફાંફા
મહારાષ્ટ્રમાં મેઘ પાંડવ તારાજી સર્જી દીધી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 149 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે હજુ 64 લોકો લાપતા છે. કોરોના બાદ મહારાષ્ટ્રમાં મેઘ તાંડવે ભારે કરૂણાંતિકા સર્જી છે. રાયગઢ, રત્નાગિરિ સહિતના કેટલાક જિલ્લાઓમાં ભૂસ્ખલનના કારણે દોઢ સો જેટલા લોકોના જીવ ગયા છે.
સ્થાનિકો સંપર્ક વિહોણા બન્યા છે તો આ જગ્યા ઉપર પીવાના પાણી અને ખોરાકની પણ તંગી ઉભી થઇ છે. ચીપલુન (રત્નાગિરિ)ના રહેવાસી રાજેન્દ્ર શિંદેએ જણાવ્યું કે, સ્થાનિકો માટે ખોરાક અને પાણીની વિશાળ તંગી છે. ડોક્ટરો પણ અનુપલબ્ધ છે પરંતુ તબીબી ટીમો મોકલાય તેવી આશા છે. અંધાધૂંધી વચ્ચે હજુ ગુમ થયેલ સંખ્યા પર મૂંઝવણ છે. મોતનો આંકડો વધી શકે તેમ છે.
શનિવારે રાત્રે આ માહિતી આપતાં રાહત અને પુનર્વસવાટ ખાતાએ કહ્યું કે કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ સતત ચાલુ છે. રાજ્ય સરકારના આંકડા મુજબ, અત્યાર સુધીમાં લગભગ 1 લાખ 35 હજાર લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે. 3221 પ્રાણીઓના પણ મોત થયા છે. સાંગલી અને રાયગઢ જેવા જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે કહેર સર્જાયો છે. સાંગલી જિલ્લાના ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે.