ખમૈયા કરો મેઘરાજા
બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રભરમાં જનજીવન અસ્ત-વ્યસ્ત: હજુ પણ અનેક સ્થળો પાણી-પાણી: ઠેર-ઠેર નુકસાની: ભારે વરસાદથી ખેતીને પણ મોટું નુકસાન, જગતાત ચિંતાતુર
સૌરાષ્ટ્રભરમાં બે દિવસથી પડેલા વરસાદનાં કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. મેઘતાંડવે પ્રજાનો જીવ ઉચાટ કરી નાખ્યો છે. હજુ પણ અનેક સ્થળોએ પાણી ભરાયેલા હોય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે ઠેર-ઠેર નુકસાની થઇ છે. વધુમાં વરસાદે ખેતીને પણ ભારે નુકસાન કર્યું હોય જગતાત ચિંતાતુર બન્યો છે.
સૌરાષ્ટ્રભરમાં મેઘતાંડવે સર્જેલી નુકસાનીની વિગતો જોઈએ તો ગોંડલમાં કોલેજ ચોક, નાની-મોટી બજાર, ઉધોગ ભારતી સોસાયટી, ગ્રીન પાર્ક, શંકરવાડી સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત રાતાપુર તથા ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. વેરીતળાવ પાંચ ફુટે ઓવરફલો થતા પાલિકા દ્વારા નિચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોંડલ પંથકમાં સુલતાનપુર, દેરડી, મોવીયા, પાંચીયાવદર, સેમણા, ભુણાવા સહિતનાં ગામોમાં પાણી ભરાયા હતા અને ત્રાકુડામાં ૩ મકાન ધરાશાયી થયા હતા. અનિડા, ભાલોડીમાં પણ એક મકાન ધરાશાયી થયું હતું. ખડવંથલી ગામ નજીક કોબા ડેમ ઓવરફલો થતા નદીમાં ઘોડાપુર આવ્યા હતા અને ગામમાં પાણી ઘુસતા ગામ બેટમાં ફેરવાયું હતું.
ધોરાજીમાં તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. દરબારીવાળા વિસ્તારમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી ત્યાં બે મકાનો ધરાશાયી થયા હતા અને મસમોટો ભુવો પણ પડયો હતો. જસદણમાં અવિરત મેઘસવારીનાં કારણે સુકા પડેલા જળાશયો અને નદી-નાળા ઓવરફલો થઈ ગયા હતા અને સમગ્ર પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ગાંધીધામનાં નવી સુંદરપુરી વિસ્તારમાં વરસાદનાં કારણે ભારે નુકસાન થયું હતું અને અહીં લોકોનાં ઘરોમાં પાણી ઘુસતા પોતાની ઘરવખરી બચાવવા લોકો કામે લાગ્યા હતા. આ ઉપરાંત ખંભાળીયા પંથકમાં પણ વરસાદે ભારે નુકસાન સર્જર્યું હતું. ખંભાળીયાથી ભાણવડ વચ્ચે આવેલા ગુંડલા પુલ ઉપરથી પાણી વહેતા ખંભાળીયાથી પોરબંદર જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. બગસરામાં નદીપરા વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાયી થતા ૧૦ કુકડા અને ૨ બકરાના મોત થયા હતા. આ ઉપરાંત જોડિયા તાલુકામાં પડેલા ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. ખેતીની જમીન ધોવાઈ હતી ઉપરાંત અનેક રસ્તાઓ અને પુલીયાઓ તુટયા હતા. આ સાથે હડિયાણા ગામે પણ સઈ સુથાર શેરીમાં એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું.
સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. દુકાનોમાં વરસાદી પાણી ઘુસતા વેપારીઓને લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદથી ખેતીને પણ ખુબ નુકસાન થયું છે જેથી જગતાત ચિંતિત બન્યા છે જો હજુ મેઘરાજા વિરામ નહીં લે તો તેલીબીયા અને કઠોળના પાકનો નાશ થઈ જશે.
ધોરાજીમાં મસમોટો ભૂવો પડયો, બે મકાન ધરાશાયી
જસદણના ઈશ્વરીય અને કરમાળ ડેમ છલકાયા
ગાંધીધામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા
ખંભાળિયા-પોરબંદર વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો
મેઘતાંડવનો રામનાથ મહાદેવ ઉપર જળાભિષેક
બગસરામાં મકાન ધરાશાયી થતાં પશુઓ દટાયા
૩૫ વર્ષ જૂના ગોંડલના રાણસીકી ચેકડેમમાં ગાબડું
હડિયાણામાં મકાન ધરાશાયી