ભયજનક બ્રહ્મપુત્રાની સપાટી વધી: આગામી ૩ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
કોરોનાની સાથોસાથ હવે દેશ અને દેશનાં પૂર્વોતર રાજયોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે ત્યારે આસામમાં જળપ્રલયને લઈ ખુબ મોટી કટોકટી પણ સર્જાય છે ત્યારે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ૩ દિવસ માટે પૂર્વોતર રાજયોમાં મેઘતાંડવ થવાની શકયતા સેવાઈ રહી છે. આસામની વાત કરવામાં આવે તો બ્રહ્મપુત્રનાં પાણીની સપાટી ભયજનક થઈ જતા આસામ પાણીમાં ગરક થઈ ગયું છે. સાથો સાથ કાઝીરંગા પાર્ક પણ પાણીમાં ગરક થતા ૬ ગેંડાની સાથે અન્ય પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે. હાલ જે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી રહી છે તેનાથી આસામ અને પૂર્વોતર રાજયની સ્થિતિ વણસે જેને લઈ સ્થાનિક તંત્રને તમામ પ્રકારની તકેદારી રાખવાનું પણ જણાવ્યું છે. ઈન્ડિયન મીટીરીયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્વ અને પૂર્વોતર રાજયમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જે આવતીકાલ ૧૯ જુલાઈથી ૨૧ જુલાઈ વચ્ચેની રહેશે. આ આગાહીમાં હવામાન ખાતાએ પશ્ર્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે ત્યારબાદ ૨૧ જુલાઈ બાદ અરૂણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આસામમાં જે રીતે પુરપ્રકોપ જોવા મળ્યો છે તેનાથી અંદાજે ૩૩ જિલ્લાઓમાંથી ૨૭ જિલ્લાઓનાં ૩૯.૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને ઘણાખરા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. આંકડાકિય માહિતી મુજબ પુરની સ્થિતિમાં ૧૦૨ લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજી આંકડો વધતો જઈ રહ્યો હોવાનું પણ તંત્ર દ્વારા સામે આવ્યું છે. ૧૦૨ લોકોનાં મૃત્યુમાં ૭૬ લોકો પુરનાં કારણે મૃત્યુ પામ્યા છે જયારે ૨૬ લોકો લેન્ડસ્લાઈડ થવાનાં કારણે તેઓએ જીવ ગુમાવ્યો છે બીજી તરફ ઉતરાખંડ, પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉતરપ્રદેશ અને બિહારમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ આજથી ચોમાસું ઉતર દિશા તરફ એટલે કે હિમાલયોની ગીરીમાળા તરફ પ્રયાણ કરશે જેથી પૂર્વોતર રાજયો અને દેશનાં ઉતરી ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા પણ વધી ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજથી બે દિવસ ઉતરી ભાગમાં છુટા છવાયા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જયારે પૂર્વોતર ભારતમાં આજથી ૪ દિવસ સુધી છુટાછવાયા ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જયારે બીજી તરફ ભારે વરસાદ આવતીકાલ એટલે ૧૯ જુલાઈથી ૨૧ જુલાઈ સુધી પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયામાં પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા પૂર્વોતર રાજયનાં સ્થાનિક પ્રશાસનને તાકિદ પણ કરવામાં આવી છે અને જણાવાયું છે કે, તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવે જેથી જાનમાલને કોઈ પ્રકારની નુકસાનીનો સામનો કરવો ન પડે અને લેન્ડ સ્લાઈડ થવાની શકયતા વચ્ચે લોકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે દિશામાં પણ હાલ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.