રાજકોટ જિલ્લામાં સતત એક સપ્તાહથી અવિરત મેઘમહેર: જેતપુર અને ગોંડલમાં ૫ ઈંચ, કોટડાસાંગાણી અને વિંછીયામાં ૪ ઈંચ, ધોરાજીમાં ૩, લોધીકામાં અઢી ઈંચ, રાજકોટ તથા જામકંડોરણામાં ૨ ઈંચ વરસાદ
રાજકોટ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ૭ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હોય. જિલ્લામાં મેઘરાજાની હેલી થવા પામી છે. શુક્રવારે પણ મેઘરાજાએ મનમુકીને હેત વરસાવ્યું હતું. જસદણ પંથકમાં સાંબેલાધારે ૭ ઈંચ વરસાદ ખાબકયો હતો.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં ૧ ઈંચથી લઈ ૭ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ધોરાજીમાં ૩ ઈંચ, ગોંડલમાં ૫ ઈંચ, જામકંડોરણામાં ૨ ઈંચ, જસદણમાં ૭ ઈંચ, જેતપુરમાં ૫ ઈંચ, કોટડા સાંગાણીમાં ૫ ઈંચ, લોધીકામાં અઢી ઈંચ, પડધરીમાં પોણો ઈંચ, રાજકોટ શહેરમાં ૨ ઈંચ, ઉપલેટામાં ૧ ઈંચ અને વિંછીયા તાલુકામાં ૪ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં શુક્રવારથી અવિરત મેઘકૃપા વરસી રહી છે. સપ્તાહમાં એક પણ દિવસ જિલ્લાના કોઈ તાલુકામાં વરસાદ ન પડયો હોય તેવું નોંધાયું નથી. ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં માતબર નવા નીરની આવક થવા પામી છે. સાથોસાથ ઝપતાતમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. રાજકોટ જિલ્લામાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૭૫.૧૮ ટકા વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.
સવારથી રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ વરસાદ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૬૧ મીમી, વેસ્ટ ઝોનમાં ૧૦ મીમી, ઈસ્ટ ઝોનમાં ૮ મીમી વરસાદ વરસી ગયો છે. રાજકોટમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં મોસમનો ૪૦ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ગત આખીરાત વરસાદ વરસતા શહેરમાં હાથીખાના શેરી નં.૧૧માં ૧ એક મકાન ધરાશાયી થઈ જતા ફાયર બ્રિગેડ શાખા દ્વારા રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.