રવિ-સોમ જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
છેલ્લા એકાદ સપ્તાહથી સૌરાષ્ટ્રમાં એંકદરે મેઘ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આજથી દક્ષિણ ગુજરાતમાં અને આવતીકાલથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. દરમિયાન આજે સવારે રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ હળવા ઝાપટા વરસ્યા હતા. આગામી રવિવાર અને સોમવારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે અને ત્રણ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરમિયાન આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 119 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ એકાદ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ મોનસૂન ટ્રફ જે રાજસ્થાનના ગંગાનગર પરથી પ્રસાર થઇ રહ્યો છે. જે આગામી 24 કલાકમાં નોર્મલ પોઝીશનથી દક્ષિણ દિશા તરફથી પ્રસાર થશે. જેની અસરના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડશે. આવતીકાલથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આજે સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદનું જોર રહેશે. દરમિયાન કાલે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ અને કચ્છ ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના રહેલી છે. આગામી રવિવાર અને સોમવારે જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ અને બનાસકાંઠા, રાજકોટ, સાંબરકાંઠા, મોરબી અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. કાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા તાકાત દેખાડશે. ત્રણ દિવસ સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 119 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. રાજકોટમાં સવારથી મેઘાવી માહોલ છવાયો છે. સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસી રહ્યાના અહેવાલ મળી રહ્યા છે.