- છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ: જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઈંચ, જૂનાગઢ, વડોદરા, બોટાદ અને ગીર-સોમનાથમાં ચાર ઈંચ વરસાદથી પાણી-પાણી
- ગિરનાર પરથી પાણી આવતા દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું: ભવનાથ તળેટીમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા
ધોધમાર વરસાદથી જૂનાગઢ શહેર જળ બંબાકાર થયું છે. જૂનાગઢમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. જૂનાગઢ-રાજકોટ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો છે. શહેરના મધ્યમાં આવેલા વોકળામાં પુષ્કળ પાણીની આવક થઈ છે. વિવેકાનંદ ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. છેલ્લા બે દિવસમાં મેઘરાજાએ જાણે રોદ્ર સ્વરૂપ બતાવ્યું હોય તેમ ગિરનાર પર 20 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જુનાગઢ શહેરમાં સાંજના સમયે શરુ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લીધું. ઝાંઝરડા ચોકડી, સાબલપૂર, દોલતપરા, આઝાદ ચોક મધુરમ સહિતના વિસ્તારમાં વરસાદ જ વરસાદ છે. જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. વડાલ, ચોકલી, કાથરોટા સહિતના ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મૂશળધાર વરસાદથી દામોદર કુંડમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પરથી પાણી આવતા દામોદરનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભવનાથ તળેટીમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ભવનાથ અને દામોદર તરફ ન જવા કલેક્ટરે લોકોને સૂચના આપી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ વિનંતી કરાઈ છે. સાંજે 6:30 વાગ્યાથી પડી રહેલા અવરિત મુશળધાર વરસાદને કારણે દામોદર કુંડમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. ગિરનાર ઉપરથી ભારે પ્રવાહમાં પાણી આવતા દામોદર કુંડ ભયજનક સ્થિતિએ પહોંચ્યું છે. શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. આ સાથે જ જૂનાગઢમાં કાળવા નદીમાં પણ પૂર જેવી સ્થિતિથી લોકોમાં ભય ફેલાયો છે. પુલ ઉપરથી પાણી પ્રવાહ વહેવા લાગતા લોકો જીવ જોખમમાં મૂકી રસ્તો પસાર કરી રહ્યાં છે. હાલ જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી કામ વગર બહાર નીકળવા તેમજ દામોદર કુંડ તરફ ન જવા માટે વિનંતી કરી હતી.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ જુનાગઢમાં શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે. શહેરની મધ્યમાં આવેલો વોકળામાં ભરપુર પાણીની આવક છે. ભરપૂર પાણીની આવકના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢના રસ્તાઓમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. ખાંભા ગીર અને ગામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. ખાંભાના ગીદરડી, ભાણીયા,ધાવડીયા,પીપળવા, તાતણીયા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો. પીપળવા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે.
રાજ્યમાં સિઝનનો 137% વરસાદ વરસી ગયો
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારસુધી સરેરાશ 47.44 ઈંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઈંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો 25.10 ઈંચ વરસાદ વર્ષ 2018માં પડ્યો હતો. જેની સરખામણીમાં આ વખતે
28મી ઓગસ્ટ સુધીમાં જ સિઝનનો વરસાદ 100 ટકાથી વધી ગયો હતો. આ વખતે અત્યારસુધી 140 તાલુકામાં 40 ઈંચથી વધુ, 104 તાલુકામાં 20થી 40 ઈંચ જ્યારે 7 તાલુકામાં 10થી 20ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવા એકપણ તાલુકા નથી.