- આજે વહેલી સવારથી કચ્છના માંડવી, દ્વારકા અને પોરબંદરમાં ધીમીધારે વરસાદ શરૂ: સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની વકી
- છેલ્લા 24 કલાકમાં 25 તાલુકાઓમાં મેઘમહેર
કેરળ બાદ ગુજરાતમાં પણ ચોમાસાએ વહેલી એન્ટ્રી તો કરી લીધી પરંતુ તે પછી જાણે અચાનક મેઘરાજાની સવારીએ બ્રેક મારી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. હાલ દક્ષિણ–પશ્ર્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશન તથા અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ગુજરાતના ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ભાગમાં વરસાદ થયો છે. બીજી બાજુ દિવસભર ગરમી અને અસહ્ય બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળર્છાંયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં લો–પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં હવે ધીમેધીમે દક્ષિણ–પશ્ર્ચિમ ચોમાસુ સક્રિય બનશે. 17 થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો–પ્રેશર બનશે અને બંગાળના ઉપસાગરમાં પણ લો–પ્રેશર બનશે. આગામી 24 કલાકમાં તેજ પવન ફૂંકાશે ત્યારબાદ વેલમાર્ગ લો–પ્રેશર બાદ ડીપ ડીપ્રેશન સર્જાશે અને 28 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારા વરસાદની શક્યતા સેવાઇ રહી છે તેમજ 20 થી 28 જૂન દરમિયાન સર્વત્ર વાવણી લાયક વરસાદ થશે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છૂટી છવાયેલી પધરામણી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં આભ ફાટ્યું હોય તેમ 11 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા ચોમેર પાણી–પાણી થઇ ગયું હતું. ભાણવડમાં બે ઇંચ તો પોરબંદરમાં અઢી ઇંચ જેવા ભારે વરસાદથી કુંભારવાડા વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા હતા તથા કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકો હેરાન–પરેશાન થઇ ગયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, સુરેન્દ્રનગર તથા કચ્છમાં પણ હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા.
દેવભૂમિ દ્વારકામાં સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા હતા. ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ બપોર પછી ખંભાળીયામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થઇ હતી. માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હત અને ત્યારબાદ સતત વરસાદ ચાલુ રહ્યો હતો અને ચાર કલાકમાં 8 ઇંચ જેવો ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાતા ઠેર–ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને કારણે નાના જળસ્ત્રોતોમાં ઘોડાપુર જેવા પાણી આવ્યા હતા. ભાણવડ પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરો તથા રસ્તાઓ જળમગ્ન થઇ ગયા હતા. પોરબંદર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું હતું. રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તાઓ ઉપર પાણી ફર્યા હતા. રાણાવાવ તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભોદ ગામે ખેતરોમાં પાણી ભરાયા હતા. કુતિયાણા તાલુકામાં ઝાપટા તથા બરડા પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લાના ગ્રામ્યો વિસ્તારોમાં છૂટા છવાયેલા વરસાદી ઝાપટા પડ્યા હતા. મુંદ્રા, ભૂજ અને અંજાર તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા. મુંદ્રાના ભૂજપરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. લખતરમાં ભારે પવન સાથે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. છાપરાઓ ઉડી બજારમાં પડ્યા હતા. બીજી બાજુ સીમ વિસ્તારમાં વિજપોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાનો રંગેચંગે પ્રારંભ થયા બાદ અસહ્ય ઉકળાટના વાતાવરણ વચ્ચે આભ ફાટ્યું હોય તેમ દ્વારકાના જામ ખંભાળીયામાં માત્ર છ કલાકમાં જ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સતત બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે પણ સવારથી વાદળર્છાંયા વાતાવરણ વચ્ચે ઘણા ખરા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 66 મીમી, ભાણવડમાં 55 મીમી, રાણાવાવમાં 36 મીમી, ગારીયાધારમાં 27 મીમી, માંગરોળમાં 12 મીમી, પાલીતાણામાં 10 મીમી અને બાબરામાં 7 મીમી વરસાદ નોંધાયો હતો ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સામાન્યથી લઇ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે 18 જિલ્લાઓમાં ભારે પવન સાથે મેઘો ભૂક્કા બોલાવશે
આજેપણ સૌરાષ્ટ્રના 9 સહિત રાજ્યના 18 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, વડોદરા, સુરત અને વલસાડમાં સામાન્યથી લઇ ભારે વરસાદની આગાહી છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં મોસમના પ્રથમ વરસાદે જ 32.5% જેટલો વરસાદ વરસી ગયો: ભાણવડ–પોરબંદરમાં
અઢી ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ, ગારીયાધારમાં દોઢ ઇંચ તેમજ જૂનાગઢ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા