• છ કલાકમાં સુપડાધારે 12 ઇંચ વરસાદ ખાબકતા દેશની આર્થિક રાજધાની પાણીમાં ડુબી: શાળા-કોલેજમાં રજા જાહેર
  • મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા ઠપ્પ: આજે પણ અતિભારે વરસાદની આગાહી

દેશની આર્થિક રાજધાની મહાનગર મુંબઇને મેઘરાજાએ રિતસર ધમરોળી નાંખ્યું છે. માત્ર છ કલાકમાં સુપડાધારે 12 ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ સર્જાય ગયું છે. શાળા-કોલેજો અને ઓફિસોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા ઠપ્પ થઇ જવા પામી છે. ટૂંકમાં જન જીવન ખોરવાય જવા પામ્યું છે. આજે પણ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તાકીદ કરવામાં આવી છે.

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ગઇકાલ રાતથી જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે. મુંબઇમાં માત્ર 6 કલાકમાં અનરાધાર 12 ઇંચ જેટલો વરસાદ પડી જવાના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. દક્ષિણ મુંબઇની સ્થિતિ વધુ દયનીય છે. અહીં કેડસમા પાણી ભરાયા છે. વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. અત્ર, તત્ર અને સર્વત્ર બસ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. રેલવેના પાટા પર ગોઠણ સમા પાણી વહી રહ્યા હોવાના કારણે આજે સવારથી મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે. શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. સરકાર તથા ખાનગી, ઓફિસો પણ બંધ છે. સતત 24 કલાક દોડતું અને ધમધમતું મુંબઇ આજે જાણે થંભી ગયુ હોય તેવું લાગી રહ્યું છે. નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા છે. માલપુરના રસ્તાઓ જાણે નદીમાં ફેરવાય ગયા હોય તેવું લાગી રહ્યું છે. અંધેરી, કિંગ સર્કલ સહિતના વિસ્તારોની સ્થિતિ ભારે વરસાદમાં વધુ વિકટ બની જવા પામી છે. આજે પણ મુંબઇમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય લોકોને ખૂબ જ અગત્યના કામ વિના ઘરની બહાર ન નિકળવા ખાસ તાકીદ કરવામાં આવી છે. બીએમસીનું તંત્ર એલર્ટ થઇ ગયું છે.

માત્ર મુંબઇ જ નહીં મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. થાણેના છેવાડાના વિસ્તારોમાં અતિભારે વરસાદમાં પાણીમાં ફસાયેલા 49 વ્યક્તિઓને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાયગઢમાં પણ અનરાધાર વરસાદથી સ્થિતિ વકરી છે. આજે સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મુંબઇ જેવી જ સ્થિતિ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે.

મહાનગર મુંબઇ તો આજે જાણે થંભી ગયું હોય તેવું લાગી રહ્યું છે. સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જો વરસાદ વિરામ નહીં લ્યે તો સ્થિતિ વધુ વણશસે તેવું લાગી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.