ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડયા, ટ્રાફિક પ્રશ્ન સાથે ખરાબ રસ્તાનો પ્રશ્ન ઉમેરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં : વીજ ધંધિયાથી લોકો થયા ત્રસ્ત
મોરબીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ મોન્સૂન કામગીરીની મેઘરાજાએ પોલ ખોલી નાખી છે. વરસાદના કારણે ઠેર ઠેર રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે આ ખાડાઓના લીધે વાહનચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સાથે વરસાદ આવતા જ વીજ ધંધિયા પણ સામે આવ્યા છે.
મોરબીમાં છેલ્લા ૨ દિવસમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં તંત્રએ બણગાં ફૂંકીને કરેલી પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. અનેક રસ્તાઓ પરના ખાડા માટીથી બુરવામાં આવ્યા હતાં. જેના પર વરસાદ પડતાં માટી વહી ગઈ હોવાથી ફરી ખાડાના રૂપમાં ફેરવાયા છે. અનેક રોડની હાલત વરસાદના લીધે બિસ્માર થઈ ગઈ છે. ત્યારે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.મોરબી શહેરના હાર્ડ સમાં ગાંધી ચોક, રવાપર રોડ પેટ્રોલ પમ્પ પાસે, નવા ડેલા રોડ, વાવડી રોડ નાલા આગળ, ઉમિયા સર્કલ પાસે, રવાપર ચોકડી, બાપા સીતારામ સર્કલ સહિતના અનેક માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે. ઉપરાંત વીસી ફાટક થી પુલ સુધી અગાઉ પાઇપલાઈન નાખવામાં આવી હતી. ત્યારે બુરાણકામમાં માત્ર માટી જ નાખવામાં આવી હતી. બાદમાં વરસાદ આવતા અહીં મોટો ખાડો પડ્યો છે. જ્યારે નજરબાગથી ગાંધી સોસાયટીને જોડતા મુખ્યમાર્ગ પર ડામર રોડ ન હોવાથી ત્યાં કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.એકંદરે પ્રથમ વરસાદથી જ મોરબીના મોટાભાગના રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગોની મરમત કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાહનચાલકોને ટ્રાફિકનો પ્રશ્ન રોજ બરોજ સતાવે જ છે. ત્યારે બીજો વધારાનો ખરાબ રસ્તાનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. જેના કારણે વાહનચાલકો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે.
વરસાદના કારણે રોડ- રસ્તા ઉપરાંત વીજ પુરવઠા પર અસર જોવા મળી હતી. વરસાદ પડતા જ વિજ ધંધિયા જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમા તો ૧૨ થી ૧૫ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. લોકોએ તો એવી પણ ફરિયાદ કરી છે કે વીજ તંત્ર પોતાની બેદરકારી છુપાવવા ફોન રિસીવ કરવાનું ટાળતા હતા.પ્રથમ વરસાદે સર્જાયેલા વીજ ધંધિયાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.