ગુરુવારે વોર્ડ નં.૨ (પાર્ટ), ૩ (પાર્ટ), ૧૧ (પાર્ટ) અને ૧૩ (પાર્ટ)માં જયારે શુક્રવારે વોર્ડ નં.૧, ૨ (પાર્ટ) અને વોર્ડ નં.૯ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ
ચાલુ સાલ શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ પડયો છે અને શહેરની જળજરૂરીયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફલો થઈ ગયા છે છતાં રાજકોટવાસીઓનાં નશીબમાં જાણે પાણી સુખ ન હોય તેવું લાગી રહ્યું છે. મેઘરાજા મહેરબાન છે પરંતુ મહાપાલિકા નમાલી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવાર અને શુક્રવારે શહેરનાં ૬ વોર્ડમાં પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે.
મહાપાલિકાનાં ઈજનેરી સુત્રોનાં જણાવ્યા અનુસાર ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા નર્મદા એનસી-૨૦ પાઈપલાઈનમાં શર્ટડાઉન લેવામાં આવેલું હોવાનાં કારણે મહાપાલિકાને વેસ્ટ ઝોનમાં પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી મળશે નહીં જેનાં કારણે આગામી તા.૨૬ને ગુરુવારનાં રોજ ચંદ્રેશનગર, રેલનગર અને બજરંગવાડી હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.૨ (પાર્ટ), ૩ (પાર્ટ), ૧૧ (પાર્ટ) અને ૧૩ (પાર્ટ)માં જયારે તા.૨૭ને શુક્રવારનાં રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ આધારીત ગાંધીગ્રામ વિસ્તારનાં વોર્ડ નં.૧, ૨ (પાર્ટ) અને વોર્ડ નં.૯ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
હાલ શહેરની જળજરૂરીયાત સંતોષતા તમામ પાંચેય જળાશયોમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. આવામાં જો રાજકોટને નર્મદાનું પાણી ન મળે તો આજી કે ન્યારી ડેમમાંથી પાણી ઉપાડી વિતરણ વ્યવસ્થા જાળવી રાખી શકાય તેમ છે છતાં મહાપાલિકાનું તંત્ર જાણે સંપૂર્ણપણે નમાલુ થઈ ગયું હોય તેમ નર્મદાની એનસી-૨૦ પાઈપલાઈનમાં જીડબલ્યુઆઈએલ દ્વારા શર્ટડાઉન લેવામાં આવતા શહેરીજનો પર બે દિવસ પાણી કાપ ઝીંકી દેવામાં આવ્યો છે.