અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન 30 કલાકમાં ઉમરગામમાં 25 ઈંચ વરસાદ નોંધાયો છે. અને વલસાડમાં આજે સવારથી 7 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતમાં વહેલી સવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અને સુરત જિલ્લામાં કામરેજમાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં શનિવારથી શરૂ થયેલો વરસાદ આજે સતત ત્રીજા દિવસે યથાવત રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામમાં સૌથી વધુ 25 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ-વાપીમાં છેલ્લા 7 કલાકમાં 9 ઈંચ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે.
જેના પગલે ટ્રેન અને વાહન વ્યવહારને અસર પહોંચી છે. જ્યારે સુરત જિલ્લામાં બારડોલી અને કામરેજમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. બારડોલીમાં 3 ઈંચ અને કારમેજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. અને સુરતમાં વહેલી સવારે બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.