બપોરથી શહેરમાં મેઘવિરામ: ઉઘાડ નિકળતા જનજીવન થાળે પડયું: વરસાદી પાણી ઓસર્યા

રાજકોટમાં છેલ્લા ૧૮ કલાકમાં અનરાધાર ૧૭ ઈંચ જેટલું પાણી વરસાવ્યા બાદ આજે બપોરે ૧૨:૩૦ કલાકથી મેઘરાજાએ વિરામ લેતા તંત્ર સાથે શહેરીજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. બપોર ઉઘાડ નિકળતા અને રાજમાર્ગો પરથી વરસાદના પાણી ઓસરતા જનજીવન ફરી થાળે પડી ગયું હતું.

રાજકોટમાં શુક્રવાર બપોરથી મેઘરાજાએ હેત વરસાવવાનું શ‚ કરતા શહેરમાં વરસાદી કરફર્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. મોડીરાત સુધી જાગતુ રાજકોટ શુક્રવારે જાણે સમી સાંજમાં પોઢી ગયું હોય તેવો માહોલ જોવા મળતો હતો. આજે સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ રહેતા લોકોને ફરજીયાત ધંધા-રોજગાર રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ૧૮ કલાકમાં ૧૭ ઈંચ જેટલું પાણી પડયા બાદ બપોરે મેઘરાજાએ અચાનક વિરામ લઈ લેતા સરકારી તંત્ર સાથે શહેરીજનોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો. વરસાદી વિરામ બાદ રાજમાર્ગો પર ભરાયેલા પાણી ઓસરી ગયા હતા અને ફરી જનજીવન થાળે પડયું હતું.  આજી અને ન્યારી જળાશયોમાં માતબર નવા નીરની આવક થવા પામી છે તો બીજી તરફ લાલપરી તળાવ ઓવરફલો થઈ ગયું છે. મેઘરાજાએ વિરામ લેતા જ શહેરીજનો ડેમ સાઈટ પર વિશાળ જળરાશીને નિહાળવા ઉમટી પડયા હતા. વેલમાર્ક લો-પ્રેશર હજી સૌરાષ્ટ્ર પર સ્થિર હોય મેઘો ગમે ત્યારે મંડાય તેવી શકયતા નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.