24-25 જુલાઇએ જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ: રાજકોટ, મોરબી અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હજી બે દિવસ મેઘ વિરામ જેવો માહોલ રહેશે. દરમિયાન મોનસૂન આગામી બે દિવસમાં નોર્મલ પોઝીશનથી દક્ષિણ દિશા તરફ મુવ કરશે. જેના કારણે રાજ્યમાં શનિવારથી સોમવાર સુધી ફરી સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના 3 જિલ્લામાં રેડ એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ મોનસૂન ટ્રફ નોર્મલ પોઝીશનમાં છે અને રાજસ્થાનના ગંગાનગર પરથી પસાર થઇ રહી છે. આ ઉપરાંત ઓફ શોર ટ્રફ કોંકણથી કેરેલા સુધી વિસ્તરેલો છે. આગામી બે દિવસમાં મોનસૂન ટ્રફ નોર્મલ પોઝીશનલથી દક્ષિણ તરફ મૂવ કરશે. જેની અસરના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજા જમાવટ કરશે. શનિવારથી લઇ સોમવાર સુધી રાજ્યમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે.
આવતીકાલે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. શનિવારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં જ્યારે રવિવારે જામનગર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, મોરબી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 24 અને 25મી જુલાઇના રોજ જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, મોરબી અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
છેલ્લા 24 કલાકમાં 76 તાલુકાઓમાં વરસાદ ઝાપટાથી લઇ સવા ઇંચ સુધી પાણી વરસ્યુ
રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 76 તાલુકાઓમાં હળવા ઝાપટાથી સવા ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. એંકદરે રાજ્યમાં મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ વરસાદ કપરાડામાં સવા ઇંચ, બાલાસિનોરમાં સવા ઇંચ અને પારડીમાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. સંતરામપુર અને ધોલેરામાં એક ઇંચ વરસાદ પડ્યો છે.