Abtak Media Google News

 

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાંથી 236 તાલુકામાં મેઘમહેર સૌથી વધુ આણંદના બોરસદમાં 14
  • ઇંચ વરસાદ જ્યારે વડોદરામાં 10 ઇંચ વરસાદ વરસ્યો: નર્મદાના તિલકવાડામાં અને વડોદરાના પાદરામાં પણ
  • આઠ ઇંચ તેમજ ભરૂચ, નવસારી, છોટા ઉદેપુર, ડાંગ અને ગાંધીનગરમાં ચારથી લઇ 6 ઇંચ સુધી વરસાદ
  • આજે સવારથી મધ્ય અને ઉત્તર
  • ગુજરાતમાં મેઘાવી માહોલ: કપરાડા,
  • હિંમતનગર, બાયડમાં સવારથી
  • વરસાદ શરૂ: સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદે ભુક્કાં બોલાવ્યાં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ  બોરસદમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો.સૌરાષ્ટ્રને ધોધમાર ભીંજવ્યા પછી વરસાદે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. મંગળવારે મધ્ય રાત્રિથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ આખો દિવસ ધોધમાર વરસ્યો હતો. આ વખતે ચોમાસામાં વરસાદે જાણે ટ્રેન્ડ બદલ્યો હોય તેમ છેલ્લા થોડા દિવસોથી ગણતરીના કલાકોમાં એકસાથે 4થી 10 ઈંચ જેટલો ખાબક્યો છે. બુધવારે પણ વડોદરામાં 10 કલાકમાં 13 ઈંચ, ભરૂચમાં 6 ઈંચ જ્યારે બોરસદમાં તો 7 કલાકમાં 14 ઈંચ વરસ્યો હતો. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી લો પ્રેશર સિસ્ટમ મધ્ય ગુજરાત પર સ્થિર થતાં વડોદરામાં બુધવારે 10 કલાકમાં સુધી 13 ઈંચ વરસાદ ખાબકતાં શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું. શહેરમાં સૌથી વધુ વરસાદ સવારે 10થી 12માં 62 મિમી વરસ્યો હતો. હવામાન વિભાગે વડોદરામાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. જેની અસર 24મીએ દેખાઈ હતી. ભારે વરસાદને પગલે ઓપી રોડ, મુજમહુડા, કલાલી, અલકાપુરી સહિત વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અલકાપુરી ગરનાળુ પણ બંધ કરી દેવાયુ હતું. વડોદરામાં ભારે વરસાદને પગલે ગુરુવારે શાળાઓ બંધ રાખવાની સૂચના અપાઈ છે. એમ. એસ. યુનિવર્સિટીએ પણ રજા જાહેર કરવા સાથે આર્ટ્સ ફેકલ્ટીમાં 25મીએ લેવાનારી એટીકેટીની પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે. પાવાગઢમાં વહેલી સવારથી અતિ ભારે વરસાદ વરસતાં પાવાગઢ ડુંગર પરનાં પગથિયાં પરથી પાણી વહી રહ્યું હતું તેમજ ભારે વરસાદને કારણે ભેખડો પડવાની ભીતિ સેવાઈ રહી છે.

વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. તંત્ર હજુ પહોંચ્યું નથી ત્યાં દિવ્ય ભાસ્કર ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે. ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46, 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25, 50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ભારે વરસાદથી વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો થયો છે. વિશ્વામિત્રી નદી હાલમાં 22 ફૂટના સ્તરે વહી રહી છે જ્યારે નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે.

રાજ્યમાં એનડીઆરએફની 14 ટુકડીઓ તૈનાત

રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. ત્યારે વરસાદના પગલે એનડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ અલગ-અલગ વિસ્તારમાં એનડીઆરએફની કુલ 14 ટીમને તૈનાત કરવામાં આવી છે. વડોદરામાં એનડીઆરએફ ત્રણ ટીમ તો દેવભૂમિ દ્વારકામાં બે ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે નર્મદા, કચ્છ, વલસાડ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથ અને પોરબંદરમાં એક-એક ટીમને તૈનાત કરાઈ છે.

સુરતમાં ખાડીપુરની સૌથી વધુ અસર, બોટ ફરતી થઇ

સુરત શહેર, જિલ્લા અને ઉપરવાસમાં અવિરત મેહુલો વરસી રહ્યો છે. જેના લીધે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઇ છે. પરિણામે ખાડીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અડધું સુરત પાણીમાં ડુબ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરતને ખાડીપુરે બાનમાં લીધું છે. નીચાણવાળા વિસ્તારોમાં ગઇકાલે આખો દિવસ રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલુ હતી. વરાછા, પૂણા, સણીયા, મંગોબ, લીંબાયત સહિતના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે. જેને લઇને શહેરના 88 રસ્તા બંધ છે.

વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી

ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ બનેલી છે જેના કારણે અતિભારેથી ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલી રહી છે. ત્યારે આગામી દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. જ્યારે અમદાવાદ સહિત વિવિધ ભાગોમાં બે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ છવાયો છે જેના કારણે ગરમીનો પારો ઘટ્યો છે અને અસહ્ય બફારાથી લોકોને છૂટકારો મળ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આખા રાજ્યમાં ચોમાસુ જોરદાર રીતે સક્રિય થઇ ગયું છે. હાલ વરસાદ લાવે તેવી સાયક્લોનિક સરક્યુલેશન, ઓફ શોર સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. આ ત્રણે સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગના શહેરમાં મેઘ મહેર રહેશે. 25 જુલાઇના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. જ્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં અતિભારે વરસાદની વકી છે.

આ ઉપરાંત 25મીના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની વકી છે. જ્યારે 26 જુલાઇના રોજ સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જુનાગઢ, ગીર સમોનાથ, મહેસાણા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિતની જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત આગામી દિવસો દરમિયાન રાજ્યમાં મેઘ મહેર જારી રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.