દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મધરાતે મેઘો મંડાયો
સાબરકાંઠાના પોસીનામા ભારે વરસાદથી સેઈ નદીમાં ઘોડાપુર
નવસારી, દાહોદ, વડોદરા, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ
આજે સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વરસાદની સંભાવના
છેલ્લા ત્રણ માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓ ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. રાજયમાં મધરાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મધરાત્રે મેઘાએ મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થયું છે અને આગળ વધી રહ્યું છે. આજે સવાર સુધીમાં ડાંગના વઘઇમાં છ ઇંચ, પારડીમાં ૫, વાપીમાં ૪ અને વલસાડમાં ૩.૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સાબરકાંઠાના પોસીનામાં ભારે વરસાદના કારણે શેઈ નદીમાં ઘોડાપુર આવ્યા હતા. આજે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી રાજયમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી જાય તેવી પણ સંભાવના વ્યકત કરાઈ છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતવાસીઓ ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ગત મધરાત્રે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. કેરલમાં નિર્ધારીત સમય કરતા ત્રણ દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસું બેસી ગયા બાદ દેશભરમાં ફરી ચોમાસું નિસક્રિય થઈ ગયું હતું. દરમિયાન ગઈકાલથી ફરી ચોમાસું સક્રિય થયું છે. વાદળોનો એક મોટો સમુહ સૌરાષ્ટ્ર અને ગુજરાતભણી આવી રહ્યો હોય તેની અસરતળે ગઈકાલ મધરાતથી રાજયમાં મેઘાના મંડાણ થયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગત મધરાત્રે સારો એવો વરસાદ વરસી ગયો છે. પારડીમાં ૧૧૭ મીમી, વાપીમાં ૮૬ મીમી, વલસાડમાં ૬૨ મીમી, કપરારામાં ૧૩ મીમી અને ધરમપુરમાં ૮ મીમી વરસાદ પડયો છે.
ભારે પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને જગતાતમાં પણ ખુશાલી વ્યાપી જવા પામી છે. નવસારીના ચિખલી સહિતના વિસ્તારોમાં પણ ગતમધરાત્રે વરસાદ પડયો હોવાના સમાચારો મળી રહ્યા છે. આ ઉપરાંત છોટા ઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં વરસાદ પડયો છે. ખેડબ્રહ્મામાં ૮ મીમી અને વડાલીમાં ૬ મીમી વરસાદ પડયો છે. ડાંગમાં પણ મેઘમહેર જોવા મળી છે. વધઈમાં ૬૨ મીમી જેટલો વરસાદ પડી ગયો છે.
આહવામાં ૧ ઈંચ અને સુબરીમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સાબરકાંઠાના પોસીના પંથકમાં ગઈકાલે મધરાત્રે અનરાધાર વરસાદના કારણે શેઈ નદી બે કાંઠે વહેવા લાગી હતી. આ લખાય રહ્યું છે ત્યારે સવારથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત ઉપરાંત દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ મધરાતથી મેઘો મંડાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૨૬મીએ ભારે વરસાદની આગાહી
દેશભરમાં ફરી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. વાદળોનો એક મોટો સમુહ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભણી આવી રહ્યો હોય આગામી ૨૬મી જુનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલ રાતથી રાજયમાં મેઘો મંડાયો છે. આજે સવારથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આજે સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. આગામી ૪૮ કલાક એટલે કે બે દિવસમાં રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી જશે. દરમિયાન ૨૬મી જુન એટલે કે મંગળવારના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.