ગોધરામાં સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ: દેવગઢ બારિયામાં ચાર ઇંચ, જાંબુખેડામાં અઢી ઇંચ, કાલોલ, હાલોલ, દેસરમાં બે થી ત્રણ ઇંચ વરસાદ: સવારથી 50 તાલુકાઓમાં મેઘ મહેર
ગુજરાતમાં ચોમાસું ઢુંકડુ હોવાના સુખદ એંધાણ મળી રહ્યા છે. મધરાતથી મધ્ય ગુજરાતમાં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. સવારથી 35 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ચાર-ચાર ઇંચ સુધી વરસાદ વરસી જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાય જવા પામી હતી. વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. આગામી 26 અને 27 જૂનના રોજ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ જવા પામી હતી.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનાં 39 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં અનરાધાર ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જાંબુખેડામાં અઢી ઇંચ, જેતપુર વાવીમાં પોણા બે ઇંચ, ધનપુરમાં સવા ઇંચ, બોડેલી, ડભોઇ, ઘોઘામ્બામાં એક ઇંચ, કરજણ, વલસાડ, લીમખેડા, ગરબાડા, વાપી અને વડોદરામાં અર્ધા ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદના કારણે દેવગઢ બારિયામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
દરમિયાન આજે સવારથી ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે બે કલાકમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં ચાર ઇંચ, કાલોલમાં બે ઇંચ, હાલોલમાં બે ઇંચ, દેસરમાં બે ઇંચ, સાયલીમાં દોઢ ઇંચ, ઉમરેઠ, ઘોઘંમ્બામાં સવા ઇંચ, આણંદ અને ગળતેશ્ર્વરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. સવારે બે કલાકમાં 35 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં હજી વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થયું નથી. પરંતુ બિપરજોય વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો. આગામી ત્રણ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન 25 થી 27 દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે.
કચ્છમાં સિઝનનો 63.32 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 20.30 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 4.84 ટકા, સૌરાષ્ટ્રમાં 15.92 ટકા અને દક્ષિણ ગુજરાતમાં માત્ર 1.17 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો 10.44 ટકા વરસાદ પડ્યો છે. આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી ત્રણ દિવસ હળવા વરસાદની વકી
આગામી ત્રણ દિવસ હળવો વરસાદ થવા ઉપરાંત 25-26 તારીખે વરસાદ વધવાની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બે દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે શક્યતા નથી પરંતુ 26 તારીખથી હળવો વરસાદ થઈ શકે છે, કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. એક સિસ્ટમ પ્રબળ બની રહી છે. જેના કારણે રાજ્યમાં 25-26 તારીખ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ક્યાં કેટલો વરસાદ
- દેવગઢ બારિયા – 4 ઇંચ
- ગોધરા – 4 ઇંચ
- દેસર – 3 ઇંચ
- જાંબુ ઘોડા – 2॥ ઇંચ
- કાલોલ – 2 ઇંચ
- હાલોલ – 2 ઇંચ
- સાવલી – 1॥ ઇંચ
- ઉમરેઠ – 1। ઇંચ
- ઘોઘમ્બા – 2 ઇંચ
- ધનપુર – 1। ઇંચ
- આણંદ – 1 ઇંચ
- ગળતેશ્ર્વર – 1 ઇંચ
- બોડેલી – 1 ઇંચ
- ડભોઇ – 1 ઇંચ
- આણંદ – 1 ઇંચ