સુત્રપાડામાં ૪, ઉનામાં ૩, ગીરગઢડા, કોડીનાર અને તાલાલામાં ૨ ઈંચ વરસાદ
ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાનો મુકામ છે. વેરાવળ તાલુકામાં અનરાધાર ૬ ઈંચ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત જિલ્લાના તમામ ૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. અનરાધાર વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે.
આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં ૫૨ મીમી, કોડીનાર તાલુકામાં ૪૩ મીમી, સુત્રાપાડા તાલુકામાં ૮૨ મીમી, તાલાલા તાલુકામાં ૪૯ મીમી, ઉના તાલુકામાં ૭૬ મીમી અને વેરાવળ તાલુકામાં ૧૩૫ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. શુક્રવારે પડેલા ભારે વરસાદના કારણે ગીર-સોમનાથ જિલ્લામાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. આ ઉપરાંત જળાશયોમાં પણ અનરાધાર પાણીની આવક થવા પામી છે. સવારથી પણ ધીમીધારે વરસાદ હોવાનું જાણવા મળી રહ્યું છે.