ગત વર્ષના સરેરાશ ૭૧૦ મીમી વરસાદ સામે હજુ માત્ર ૧૭૩ મીમી વરસાદ જ પડયો
સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે સવારે ફરી મેઘરાજા વરસવાનું શરૂ થયા હતા. અંદાજે એક માસના સમયગાળા બાદ ફરી વર્ષારાણીનું આગમન થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો.
ધીમીધારે વરસેલા વરસાદમાં સૌથી વધુ ધ્રાંગધ્રા પંથકમાં અઢી ઇંચ અને સૌથી ઓછો થાન પંથકમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી ધીમીધારનો વરસાદ વરસ્યો હતો.
જાહેર રજાના દિવસે વરસાદ આવતાં ખાસ કરીને બાળકો આનંદમાં આવી ગયા હતા અને વરસાદની મોજ માણી હતી. વરસાદના લીધે શહેરના હેન્ડલૂમ ચોક, સર્વોદય સોસાયટી રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વઢવાણમાં શુક્રવારે વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ ચાલુ રહેતા શહેરની શેરી, ગલ્લીઓ તેમજ સોસાયટીના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. ગત વર્ષના સરેરાશ ૭૧૦ મીમી વરસાદ સામે હજુ માત્ર ૧૭૩ મીમી જ વરસાદ પડયો છે. ૫૩૭ મીમીની ઘટ જણાઈ રહી છે.