અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા જાફરાબાદ,

વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના: 40થી50 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 149 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ જૂનાગઢના માંગરોળ અને ગીર-સોમનાથના સુત્રાપાડામાં અઢી ઇંચ વરસાદ, વેરાવળ-વિસાવદરમાં બે ઈંચ અને માળિયામાં દોઢ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘમલ્હાર જારી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સર્વત્ર મેઘમહેર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 149 તાલુકામાં મેઘ મહેર જોવા મળી હતી. સૌથી વધુ જૂનાગઢના માંગરોળ અને ગીર-સોમનાથના સુત્રાપાડામાં અઢી ઇંચ વરસાદ, વેરાવળ-વિસાવદરમાં બે ઈંચ અને માળિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આજ સવારથી જ માંગરોળમાં 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે.

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અનેક પંથકોમાં વરસાદી માહોલ છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના પંથકોમાં છૂટોછવાયો વરસાદ થવાનો વરતારો છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડશે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.

આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,દીવમાં અતિભારે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે ગુરુવારે  પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં અતિ ભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે  વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યારસુધી 5.85 ઈંચ સાથે મોસમનો સરેરાશ 17.70 ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. રાજ્યના 36 તાલુકા એવા છે જ્યાં 9.88થી 19.68 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- પ્રેશર સર્જાયું છે. જેના કારણે 40થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગના અનુમાન વચ્ચે અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હાલ દરિયામાં ઉંચા મોજા ઉછળવાનું શરૂ થયું છે. દરિયામાં મોજા ઉછળવાનું શરૂ થતા જ પ્રશાસન એલર્ટ થઈ ગયું. પ્રશાસને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ધર્મશાળામાં વાદળું ફાટતાં તબાહી મચી!!

હિમાચલ પ્રદેશનાં ધર્મશાલામાં વાદળ ફાટવાથી માંઝી અને બ્યાસ નદી બન્ને કાંઠે વહે છે. હાલ ધર્મશાલામાં વરસાદને લઈને ઓરેંજ એલર્ટ જાહેર છે.જયારે હિમાચલ પ્રદેશનાં અનેક જીલ્લાઓમાં સોમવારે મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે.મેકલોડ ગંજ પાસે ભુ-ભાગવાળા નાળામાં સડક પર પાણીનાં ભારે બહાવના કારણે રસ્તા પર પાર્કીંગ કરેલી અનેક ગાડીઓને નુકશાન થયુ હતું. આ ઘટનાથી લોકો દહેશતમાં છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદને લઈને વધુમાં મળતી જાણકારી મુજબ ધર્મશાળામાં વાદળ ફાટતા અને ભારે વરસાદને પગલે માંઝી નદીમાં પૂર આવવાથી લગભગ 10 દુકાનો અને 4-5 મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. મકાનમાં રહેનારાઓને સુરક્ષીત સ્થાને ખસેડવામાં આવ્યા હતા.જાનહાનીનાં ખબર નથી. બીજી બાજુ ભારે વરસાદના પગલે સીમલાના રામપુરમાં ઝાકડી પાસે નેશનલ હાઈવેને બ્લોક કરાયો છે.

અલગ-અલગ રાજ્યોમાં વીજળી પડતા કુલ 64ના મોત

ભારતમાં નૈઋત્યુ ચોમાસુ સક્રિય થવા સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ઉતરપ્રદેશ તથા રાજસ્થાનમાં આસમાની આફત ઉતરી પડી હોય તેમ વિજળી પડવાથી 60 થી વધુ લોકોના મોત નીપજયા હતા. ઉતર પ્રદેશમાં 44 તથા રાજસ્થાનમાં 20 લોકોનો એટલે કે 64નો ભોગ લેવાયો હતો. ઉતર પ્રદેશમાં વિજળી પડવાની જુદી જુદી દુર્ઘટનાઓમાં 44 લોકોના મોત નીપજયા હતા. જયારે 47 દાઝી ગયા હતા.  જ્યારે 200 થી વધુ પશુના પણ મોત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.