ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ગત રોજ સોમવારના મેઘરાજા મનમૂકીને વરસ્યાં હતાં. છેલ્લાં કેટલાંક દિવસથી ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે સૌરાષ્ટ્રના 26 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી.
ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ, જૂનાગઢના વંથલીમાં 2.5 ઈંચ, રાજકોટના જસદણમાં 1.5 ઈંચ વરસાદ: આગામી પાંચ દિવસ હળવા થી મઘ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે તેવી શક્યતા છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાઇ ગયો હતો. બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ સારો એવો વરસાદ થયો હતો. દરેડ, જામબરવાળા, રાયપર સહિતના ગામોમાં સારો વરસાદ પડ્યો છે, તો લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. લાઠના ભુરખિયા, રામપર અને તાજપર સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જે વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી છે ત્યાં સમયસર ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
બીજી બાજુ ભાવનગરના ગારીયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ગારિયાધારના પરવડી, સુરનગર, સૂરનિવાસ, માવગઢ વદર, સાંઢખાખરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતાં. કચ્છના રાપરમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું હતું. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પણ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જ્યારે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પલટો જોવા મળ્યો અને વરસાદ શરૂ થયો છે. ખેંગાગપર, રામવાવ, કુડજામપરમાં ગાજવીજ વરસાદ પડ્યો હતો. ભારે ગરમી બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાં મોટી રાહત મળી હતી.