એક જ દિવસમાં ૧૦ ઈંચ સુધી વરસાદ વરસતા ભારે તારાજી: અનેક ગામો બેટમાં ફેરવાયા: રાજકોટમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી: નિચાણવાળા વિસ્તારોમાં  અને ઘરોમાં પાણી ઘુસ્યા: કેડસમા પાણીથી લોકોને ભારે હાલાકી

છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૨૫૦ તાલુકાઓમાં વરસાદ ખાબકયો: જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની ઈનીંગ

રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મેઘકહેરથી સૌરાષ્ટ્રમાં જળબંબોરની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૨૫૦ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે જેમાં સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં ૧૦ ઈંચ જેટલો ખાબકયો છે. રાજયભરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. રાજકોટ, દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાનાં અનેક ગામોમાં મેઘરાજાએ તોફાની ઈનીંગ રમતા રસ્તાઓ પર જાણે નદી વહી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય હતી. અનેક ગામોમાં બેટમાં ફેરવાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. એક જ દિવસમાં ૧૦ ઈંચ વરસાદ ખાબકતા જામજોધપુર સહિત અનેક ગામોમાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું અને પાકની પથારી ફરી ગઈ હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે હજુ પણ રાજયમાં આગામી ૨૪ કલાક સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે. બીજીબાજુ ભારે વરસાદની આગાહીથી એનડીઆરએફની ટીમ સતત ખડેપગે રહીને કામ કરી રહી છે.

IMG 20200831 WA0004

બીજીબાજુ વાત કરીએ તો રાજયમાં પડી રહેલા ભારે અને અવિરત વરસાદ હવે આફતરૂપ સાબિત થયો છે. સતત પડી રહેલ વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં આ સિઝનનો અત્યાર સુધીનો ૧૫૦ ટકા વરસાદ નોંધાયો છે તો કચ્છમાં ૨૫૧ ટકા વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી સિઝનનો ૧૧૩ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે અને હજુ પણ વરસાદની આગાહી યથાવત છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રનાં ૧૫ તાલુકાઓમાં ૬ ઈંચથી ૧૨ ઈંચ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે જેમાં ૨૪ તાલુકાઓમાં ૫ ઈંચથી ૧૨ ઈંચ વરસાદ ખાબકયો છે તો તે ૧૩૮ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. હજુ પણ ૨૪ કલાક બંગાળની ખાડીનું લો-પ્રેશર યથાવત રહેશે અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયાથી મધ્યમ સુધીનો વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

IMG 20200831 WA0007

છેલ્લા ૨૪ કલાકનાં વરસાદની વાત કરીએ તો જામનગરના જામજોધપુરમાં ૯.૫ ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં ૮.૫ ઈંચ, મોરબીમાં ૮ ઈંચ, બોટાદનાં ગઢડામાં ૮ ઈંચ, દ્વારકાના ભાણવડમાં ૭.૫ ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં ૭.૫ ઈંચ, જામનગરના લાલપુરમાં ૬.૫ ઈંચ, જુનાગઢનાં વિસાવદરમાં ૬.૫ ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં ૬.૫ ઈંચ, બોટાદમાં ૬.૫ ઈંચ, રાજકોટમાં ૬.૫ ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં ૬ ઈંચ, રાજકોટનાં કોટડાસાંગાણીમાં ૬ ઈંચ, સુરતનાં માંગરોળમાં ૬ ઈંચ, જુનાગઢના મેંદરડામાં અને હાલોરમાં ૬ ઈંચ, વંથલીમાં ૫.૫ ઈંચ, ભેંસાણમાં ૫ ઈંચ, ગીર ગઢડામાં ૫ ઈંચ, કોડીનારમાં ૫ ઈંચ, વડોદરામાં ૫ ઈંચ, જુનાગઢના માળીયામાં ૫ ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં ૫ ઈંચ, અમરેલીના બાબરામાં ૪.૫ ઈંચ, ગીર સોમનાથના ઉનામાં ૪.૫ ઈંચ, કચ્છના ગાંધીધામમાં ૪.૫ ઈંચ, મોરબીના માળીયામિંયાણામાં ૪.૫ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ૪.૫ ઈંચ, કેશોદમાં ૪ ઈંચ, જુનાગઢમાં ૪ ઈંચ, ગોંડલમાં ૪ ઈંચ, બગસરામાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

Screenshot 4 2

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.