સતત 6 દિવસથી વરસાદને પગલે અનેક રાજ્યોમાં જનજીવન ખોરવાયું : હિમાચલ પ્રદેશમાં 1239 રસ્તાઓ બંધ, 39 જગ્યાએ ભૂસ્ખલન થયું : દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર જોખમી સ્થિતિએ
દેશના ઉતરભાગમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, યુપી અને પંજાબમાં 6 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હિમાચલમાં 24 કલાકમાં 39 જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બિયાસ નદીના વહેણને કારણે ઈમારતો તણાઈ ગઈ હતી તેમજ પુલ તૂટી ગયો હતો.
હિમાચલ પ્રદેશમાં 72 કલાકથી વધુ સમયથી મુશળધાર વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. બે દિવસમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે વધુ આઠ લોકોના મોત થયા છે જ્યારે છ લોકો નદીઓ અને નાળાઓમાં ધોવાઈ ગયા છે. હિમાચલમાં ચોમાસુ 24 જૂને પહોંચ્યું હતું, અત્યાર સુધીમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂસ્ખલનને કારણે રાજ્યમાં મંગળવારે સવારે 10:00 વાગ્યા સુધી 1239 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. 2577 વીજ ટ્રાન્સફોર્મર પણ અટવાઈ પડ્યા છે. 1418 પાણી પુરવઠા યોજનાઓ પણ બંધ પડી છે. સંબંધિત વિભાગો તેમના પુન:સ્થાપનમાં રોકાયેલા છે. શિમલામાં સૌથી વધુ 581, મંડીમાં 200, ચંબામાં 116, સિરમૌરમાં 101, હમીરપુર અને લાહૌલ-સ્પીતિમાં 97-97 રસ્તાઓ બંધ છે.
છેલ્લા 72 કલાકમાં દેશનાં વિવિધ રાજ્યોમાં 76 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુપીમાં 34, હિમાચલમાં 20, જમ્મુ-કાશ્મીરમાં 15, દિલ્હીમાં પાંચ, રાજસ્થાન અને હરિયાણામાં એક-એકનાં મોત થયાં છે.
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર થઈ ગયું છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધી નદીનું પાણી 206.32 મીટરે વહી રહ્યું હતું. 1978માં, સૌથી વધુ 207.49 મીટર સુધી પહોંચી ગયુ હતું.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં 6 દિવસથી અવિરત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, યુપી અને પંજાબ સહિત દેશભરમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં, સાત રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરની વિવિધ ઘટનાઓમાં 56 લોકોના મોત થયા છે. સૌથી વધુ 34 મોત થયાં છે.
હિમાચલમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં 3 દિવસમાં 12 ઈંચ વરસાદ પડ્યો, જે સામાન્ય કરતાં 10 ગણો વધારે છે. અહીં પહાડો ધસી રહ્યા છે. ભૂસ્ખલનથી મકાનો અને પુલ તૂટી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજસ્થાન-એમપી સહિત 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 12 જુલાઈ સુધી, હિમાચલના 12માંથી 10 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પૂર અને વરસાદની સ્થિતિને લઈને મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાત કરી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.
10 જૂને, જ્યાં સમગ્ર દેશમાં 60% વરસાદની ઘટ હતી, તે હવે સામાન્ય કરતાં 2% વધુ છે. દેશનો કુલ વરસાદ હવે સામાન્ય કરતાં વધુ છે. 9 જુલાઇ સુધી સામાન્ય વરસાદ 9.4 ઈંચ હતો. હવે આંકડો એને વટાવીને 9.5 ઈંચ થઈ ગયો છે, જે 2% વધુ છે. બીજી તરફ આગામી 24 કલાક માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.