ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવનને અસર : સાંજે દરિયામાં વિશાળ મોજા ઉછળવાની સંભાવના
મુંબઈ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. શહેરના સાયન અને કુર્લા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉપરાંત, ભારે વરસાદને કારણે માછીમારોને આગામી આદેશ સુધી દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા દરિયામાં હાઈટાઈડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાંજે 4 વાગ્યાની આસપાસ 1.08 મીટર ઉંચા મોઝા ઉછળવાની સંભાવના છે.
મેઘરાજાઓ મુંબઇ શહેરમાં મુશ્કેલી સર્જી છે. ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થતિ સામે આવી છે. ઉપરાંત, શહેરનાં સાયન વિસ્તારના ગાંધી હાઈવે પર અનેક વાહનો તણાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.
ચોમાસાની સિઝન દરમિયાન મોટાભાગે દાદર, માટુંગા, હિંદમાતા જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. પરંતુ, તંત્ર દ્વારા પ્રિમોન્સુનની યોગ્ય કામગીરી ન કરતા સ્થાનિકોએ સહન કરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે, શહેરમાં 64 મિલિમીટર જેટલો વરસાદ થતા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.