અનેક તાલુકામાં જ્યાં અગાઉથી જ 100 ટકા જેટલો વરસાદ પડી ગયો હતો, ત્યાં હવે મેઘરાજાને ખમૈયા કરવાની આજીજી : બીજી તરફ જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં વરસાદ કાચા સોનાની જેમ વરસ્યો
અલનીનોના છેદ ઉડાડી સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની અવિરત મહેરથી ક્યાંક મૌલાતને જીવનદાન… તો ક્યાંક ઉચાટ જોવા મળી રહ્યો છે.અનેક તાલુકામાં જ્યાં અગાઉથી જ 100 ટકા જેટલો વરસાદ પડી ગયો હતો, ત્યાં હવે મેઘરાજાને ખમૈયા કરવાની આજીજી થઈ રહી છે. તોબીજી તરફ જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં વરસાદ કાચા સોનાની જેમ વરસ્યો છે.
અંતર્ગત અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. બે દિવસ પહેલા સુત્રાપાડામાં આભ ફાટ્યુ હતું તેમજ ગઈકાલે ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના પગલે નદી નાળાઓ છલકાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 201 તાલુકામાં મેઘમહેર થઈ હતી જેમા જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ઘમરોળ્યુ છે ત્યારે ગઈકાલે જૂનાગઢ તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો છે, આ સિવાય વલસાડના ઉમરગામમાં 12 ઈંચ, વાપીમાં 10 ઈંચ, માળીયાહાટીનામાં 8 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 8 ઈંચ અને કેશોદમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ગઈકાલે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે વિરાટનગરમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા તેમજ રીંગરોડ તરફ જતા મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાય ગયા હતા. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ અત્યાર સુધી સ્થિતિ જોઈએ તો અબડાસા, અંજાર, કચ્છ, ગાંધીધામ, મુન્દ્રા, ભેસાણ, જૂનાગઢ, કેશોદ, માળિયા હાટીના, માંગરોળ, મેંદરડા, વિસાવદર, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, ધોરાજી, જામનગર, ઉપલેટા, જામકંડોરણા, જેતપુર, સાવરકુંડલા, બરવાળા સહિતના મથકો ઉપર આગાઉથી જ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. એટલે આ મથકોમાં અતિવૃષ્ટિનું જોખમ ઉભું થયું હોય મેઘરાજાને ખમૈયા કરવા લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
બીજી તરફ લોધિકા, વીંછીયા, ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, લાલપુર, કુતિયાણા, માણાવદર, વંથલી, ભાવનગર, ઘોઘા, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર, બોટાદ, સાયલા, મૂળી, પડધરી, વીંછીયા, ભાણવડમાં કે જ્યાં ઓછો વરસાદ હતો પણ છેલ્લા 24 કલાકમાં ત્યાં વરસાદ કાચા સોના રૂપે વરસ્યો છે.