ચાલુ વર્ષે ખેડૂતોથી લઇ સૌ કોઈ મેઘરાજાની રાહ જોઈ રહ્યાં હતાં. જો કે ભાદરવાના પ્રારંભે જ મેઘરાજાએ સટાસટી બોલાવતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧ થી લઇ ૧૦ ઈંચ સુધી વરસાદ વરસયો હતો.જૂનાગઢ જિલ્લામાં સાડા સાત ઈંચ વરસાદથી એસટીને ભારે અસર પહોંચી છે અને ભારે વરસાદને કારણે જૂનાગઢ એસટી ડિવિઝને ૭૨ જેટલા રૂ ટ રદ કર્યા છે.
વરસાદને કારણે ૧૪ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ
રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે ૧૪ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયા છે. આ તમામ રસ્તા પંચાયતના ગ્રામ્ય માર્ગો છે. વલસાડ, ભરૂ ચ, ડાંગ, નર્મદા, નવસારી,અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો વાહનોની અવરજવર માટે બંધ થઇ ગયા છે.
જસદણના નવાગામે વીજળી પડતા બે બાળકોના મોત
જસદણ તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પડતા પરપ્રાંતીય બે બાળકોના મોત થયા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નવાગામ વાડી વિસ્તારમાં સુનિલ દાવરા(ઉ.વ.૧૫) અને તેની સાથે અરૂણ થાઈરીયા (ઉ.વ.૧૨)ની પર વિજળી પડતાં તેમનું મોત થયું હતું. બંને મૃતદેહોને જસદણ સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા. પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામમાં વાડી વિસ્તારમાં રહેતા મૃતક સુનિલ દાવરા અને અરૂણ થાઈરીયા એ વાડીએથી બીજી વાડીએ જતા હતા. એ સમયે અચાનક તેમના પર વિજળી પડતા ઘટના સ્થળે બન્નેનું મોત થયું હતું. આ બનાવની જાણ ૧૦૮ને થતા. ૧૦૮ના પાયલોટ બીપીન ભટ્ટ અને ઇએમટી સુધીર પરવાડીયા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બંને મૃતદેહોને જસદણની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.