સમગ્ર સોરઠ પંથકમાં ગઇકાલ વહેલી સવારથી આજે આખી રાત એકધારો વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર થઇ જવા પામ્યો છે અને જિલ્લામાં ૨ થી ૭ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જિલ્લાના છ જેટલા ડેમોના બારા ખોલવામાં આવ્યા હતા, તો ૧૪ જેટલા નાના મોટા ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારો અને ૭૫ ગામડાઓને સતર્ક કરી દેવામાં આવ્યા હતા, ૨૪ કલાક વરસાદ અવિરત ચાલુ વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને ઘેડ પંથકના અનેક ગામોમાં પાણી ઘુસી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ જવા પામ્યા હતા. જો કે, તંત્ર દ્વારા પૂરતી નજર રાખવામાં આવી રહી છે અને તકેદારીના તમામ પગલા ભરાઈ રહ્યા છે.

દરિયામાં લો પ્રેશર થતાની સાથે જૂનાગઢ જીલ્લો ભારે વરસાદની ઝપટમાં આવી ગયો છે, એક તરફ જૂનાગઢ જિલ્લામાં સરેરાશ વરસાદ કરતાં ૧૫૦ ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે અને તમામ ડેમો ભરાઇ ગયા છે ત્યારે ગઇકાલ વહેલી સવારથી જ વરસાદે જૂનાગઢ જિલ્લામાં મુકામ કરી લીધા હતા ત્યારે ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદના વાવડ મળી રહ્યા છે.

IMG 20200831 WA0000

ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન કેશોદમાં ૧૦૨ મી.મી., જૂનાગઢમાં ૧૦૧ મીમી., ભેસાણમાં ૧૪૨ મિ.મિ.,  મેંદરડામાં ૧૪૨ મીમી., માંગરોળમાં ૩૭ મીમી., માણાવદરમાં ૯૨ મી.મી., માળિયામાં ૧૨૪ મી.મી., વંથલીમાં ૧૪૦ મી.મી અને વિસાવદરમાં ૧૭૯ મી. વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લો પાણી પાણી થઇ જવા પામ્યો છે અને જિલ્લાની તમામ નદીઓ હાલમાં બે કાંઠે વહી રહી છે, જેને લઇને જિલ્લાના ૧૭ જેટલા નાના-મોટા ડેમોમાં પાણીનો મબલખ પ્રવાહ આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાના ડેમની પરિસ્થિતિ જોઈએ તો, ગત રાત્રીના વિસાવદર તાલુકાના આંબાજળ ડેમના ૨ દરવાજા, ધાફળ ડેમના ૨ દરવાજા,  માળીયાના વ્રજમી ડેમના ૭ દરવાજા, માણાવદરના બાટવા ખારા ડેમના પ દરવાજા, વંથલી ઓજત શાપુર ડેમના ૧૦ દરવાજા,  વંથલી ઓજત ડેમના ૧૨ દરવાજા, વંથલી તાલુકાના સાબલી ડેમના ૬ દરવાજા, જુનાગઢ ઓઝત ડેમ-૨ ના ૭ દરવાજા ખોલવામાં આવ્યા હતા.જેને લઇને જૂનાગઢ જિલ્લાના લગભગ ૭૫ થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દરમિયાન જૂનાગઢ શહેરમાં પણ ગઇકાલે ભારે વરસાદ અને ગિરનાર તથા દાતાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ સતત ઓવરફલો થઈ રહ્યો છે. તો નરસિંહ મહેતા તળાવ પણ છલકી રહ્યું છે, હસનાપુર ડેમ માંથી પણ ઓવરફલો થતાં હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, આ સિવાય જંગલમાંથી નિકળતી સોનરખ નદી પણ ભારે પ્રવાહ સાથે વહી રહી છે, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણી ભરાયેલા છે, દામોદર કુંડ બે કાંઠે થઈ જવા પામ્યો છે.

જ્યારે શનિવારની રાત્રીના કેશોદ તાલુકાના મેસવાણ ગામ પાસે નોરી નદીના પુલ પર બાઇક લઇને નીકળેલ બે યુવાનો ભારે પૂરમાં તણાયા હતા જેમાંથી એક યુવક થાંભલા પર ચડી જતા બચી જવા પામ્યો હતો અને બીજો યુવક પાણીમાં ગરક થઇ ગયો હતો તેની એનડીઆરએફ અને એસટીઆરએફ ની ટીમ દ્વારા શોધખોળ જારી કરવામાં આવી હતી પરંતુ પાણીમાં ગરક થયેલ યુવકનો ૩૬ કલાકે પણ પતો હાથ લાગેલ નથી.

IMG 20200831 WA0003

આ સિવાય કેશોદ તાલુકાના બામણાસા ગામ આસપાસના વાડી વિસ્તારમાં રહેતા ૪૦ થી ૪૫ માણસો પાણીમાં ફસાયા હોવાની અને તેને રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર લાવવા માટેની તજવીજ હાથ ધરાઇ છે, પણ બચાવ માટે ગયેલી એન.ડી.આર.એફ. ની ટીમ પાંચાલા ગામ પાસે પાણીનો પ્રવાહ વધતા ફસાઈ હતી. બીજી બાજુ માણાવદર, માંગરોળ અને કેશોદના ઘેડ પંથકના અનેક ગામોમાં પાણી ઘૂસ્યા છે અને ત્યાં હજારો વીઘા જમીન પાણીમાં ગરક થઈ જવા પામી છે તો ઘણા ગામો સંપર્ક વિહોણા પણ બની જવા પામ્યા છે.

જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા હવામાન વિભાગે  કરેલી આગાહીના પગલે અગાઉથી જ તકેદારીના પગલા ભરાયેલા હતા જેના કારણે તમામ ગામના તલાટીઓ હાલમાં પોતાના હેડકવાટર માં છે અને પળેપળની માહિતી પહોંચાડી રહ્યા છે જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો નથી, આ સિવાય પુર કે પાણી ની કોઈ ભારે ખાનાખરાબી ના સમાચાર નથી, પરંતુ અવિરત રીતે વરસતા વરસાદ અને ગાડી તુર બનેલ નદીઓ તથા ડેમ માંથી છોડવામાં આવેલા પાણીને કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોની રાતની નીંદર હરામ થઈ જવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.