૬ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં અને ૭ ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની શકયતા: ૮મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ફીશરીઝ વિભાગની સુચના રાજયમાં કુલ ૫૪ જળાશયો હાઈએલર્ટ પર
ભાણવડમાં ૭ ઈંચ, વેરાવળમાં ૫॥ ઈંચ: માંગરોળ, ખાંભા, બગસરા, વાપીમાં ૫ ઈંચ: સુત્રાપાડા, સાવરકુંડલા, કુતિયાણા, જાફરાબાદમાં ૪ ઈંચ: મોરબી, અમરેલી, રાજુલામાં ૩ ઈંચ: ધારી અને ઉપલેટામાં અઢી ઈંચ: માણાવદર, વંથલી, બાબરા અને જુનાગઢમાં ૨ ઈંચ સુધી વરસાદ: રાજકોટમાં એક ઈંચ વરસાદ નોંધાયો
ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં વલસાડનાં ઉમરગામમાં ૧૫ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. મેઘરાજાએ જયારે સટાસટી બોલાવી હોય તેમ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, મોરબી તેમજ રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડનાં ઉમરગામમાં ૧૫ ઈંચ જેટલો વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાય હતી. આ ઉપરાંત દ્વારકાનાં ભાણવડમાં ૭ ઈંચ, ગીર સોમનાથમાં વેરાવળમાં ૫॥ ઈંચ, ખાંભામાં ૫ ઈંચ, માંગરોળમાં ૫ ઈંચ, બગસરામાં ૫ ઈંચ, સુત્રાપાડામાં ૪ ઈંચ સહિત સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં પણ તોફાની પવન સાથે ભારે વરસાદ વચ્ચે દરિયો તોફાની બન્યો હતો ત્યારે વલસાડનાં તીથલનાં દરિયામાં પણ ભરતીની અસર જોવા મળી હતી અને ૧૫ ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ભારે વરસાદનાં કારણે ખેડુતોમાં ખુશી જોવા મળી હતી. સૌરાષ્ટ્રનાં ૮ જિલ્લામાં આશરે ૧ થી ૧૦ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
ગઈકાલે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર.પટેલનાં અધ્યક્ષ સ્થાને વેધરવોચ ગ્રુપનો વેબીનાર ગાંધીનગર ખાતે યોજાયો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનનાં કારણે આગામી ૩ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે જેમાં તા.૫ ઓગસ્ટે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, તા.૬ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં તથા તા.૭ ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં સારો વરસાદ થવાની આગાહી છે. આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા તાકિદ કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઉભુ થયેલું લો-પ્રેશર તેમજ સાઉથ ગુજરાત રીઝીયન અને ઉતર અરબી સમુદ્ર નજીક બનેલ સાયકલોનીક સરકયુલેશનનાં પ્રભાવે ગુજરાતમાં આગામી ૩ દિવસ સારો વરસાદ થવાની શકયતા છે. ૭ ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા તથા કચ્છ વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરદાર સરોવરમાં હાલની સપાટી ૧૧૯.૨૯ મીટર છે તેમજ ૧૭૦૦૯૮ એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતનાં ૫૦.૯૨ ટકા છે. તેમજ ૪૨૬૭ કયુસેક પાણીની આવક થવા પામી છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨,૮૭,૫૪૪ એમસીએફટી છે જે કુલ સંગ્રહ શકિતનાં ૫૧.૬૪ ટકા છે. હાલમાં રાજયમાં કુલ ૫૪ જળાશયો હાઈએલર્ટ પર છે. ફીશરીઝ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૮મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે તેમજ જે લોકો દરિયો ખેડવા ગયા છે તેઓને પરત બોલાવવાની કામગીરી ચાલુ છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ વલસાડનાં ઉમરગામમાં ૧૫ ઈંચ, દ્વારકાનાં ભાણવડમાં ૭ ઈંચ, ગીર સોમનાથનાં વેરાવળમાં ૫॥ ઈંચ, અમરેલીમાં ૫ ઈંચ, જુનાગઢનાં માંગરોળમાં ૫ ઈંચ, અમરેલીનાં બગસરામાં ૫ ઈંચ, સુત્રાપાડામાં ૭ ઈંચ, સાવરકુંડલામાં ૪ ઈંચ, વાપીમાં ૫ ઈંચ, પોરબંદરનાં કુતિયાણામાં ૪ ઈંચ, જાફરાબાદમાં ૪ ઈંચ, મોરબીમાં સાડા ત્રણ ઈંચ, અમરેલીમાં ૩ ઈંચ, રાજુલામાં ૩ ઈંચ, ધારીમાં ૨.૫ ઈંચ, ઉપલેટામાં ૨.૫ ઈંચ, માણાવદરમાં ૨ ઈંચ, વંથલીમાં ૨ ઈંચ, બાબરામાં ૨ ઈંચ, જુનાગઢમાં દોઢ ઈંચ અને રાજકોટમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના ૧૨ ડેમોમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસતા ૧૨ ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં રાજકોટ જિલ્લામાં ભાદર ડેમમાં ૦.૨૦ ફૂટ પાણીની આવક થતા ડેમની સપાટી ૨૨.૯૦ ફૂટે પહોંચી છે. જ્યારે વાછપરી ડેમમાં ૧.૧૮ ફૂટ પાણીની આવક થતા ડેમની સપાટી ૧૦.૨૦ ફૂટે પહોંચી છે. છાપરવાડી ડેમમાં ૦.૯૮ ફૂટ પાણીની આવક થતા ડેમની સપાટી ૮.૧૦ ફૂટે પહોંચી છે. છાપરવાડી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ પાણીની આવક થતા ડેમની સપાટી ૧૩.૬૦ ફૂટે પહોંચી છે. ભાદર-૨ ડેમમાં પાણીની સપાટી ૦.૩૩ ફુટે પહોંચતા ડેમની કુલ સપાટી ૨૨.૭૦ ફૂટે પહોચી છે.
જ્યારે મોરબી જિલ્લામાં ઘોડાધ્રોઇ ડેમમાં પાણીની ૦.૨૩ ફૂટ આવક થતા ડેમની સપાટી ૧૫.૩૦ ફૂટે પહોંચી છે. મચ્છું-૩ ડેમમાં પાણીની ૧.૪૧ ફૂટ આવક થતા કુલ સપાટી ૧૭.૬૦ ફુટે પહોંચી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-૨ ડેમમાં પાણી આવક ૦.૦૩ ફૂટ થતા ડેમની કુલ સપાટી ૨૫.૫૦ ફૂટે પહોંચી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામા ભોગાવો-૨ ડેમમાં ૦.૭૨ ફૂટ પાણીની આવક થતા ડેમની સપાટી ૧૭.૪૦ ફૂટે પહોંચી છે. મોરસલ ડેમમાં પાણીની ૨.૯૯ ફૂટ આવક નોંધાઇ છે. આમ ગઈકાલે પડેલા વરસાદને પગલે ૧૨ ડેમોમાં નવા નિરની આવક નોંધાઇ છે.
સૌરાષ્ટ્રમાં સીઝનનો ૭૮.૧૪ ટકા વરસાદ
રાજ્યમાં ૪૪.૭૯ ટકા વરસાદ નોંધાયો: સૌરાષ્ટ્રનો વરસાદ ૧૦૦ ટકાથી વધવાની પ્રબળ શકયતા
સૌરાષ્ટ્રમાં સીઝનનો ૭૮.૧૪ ટકા વરસદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં માત્ર ૪૪.૭૯ ટકા જ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રનો સીઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધે તેવી શકયતા જોવા મળી રહી છે. કારણ કે હજુ ચોમાસાને પૂર્ણ થવામાં બે મહિનાની વાર હોય હજુ પણ મેઘરાજા ૨ થી ત્રણ રાઉન્ડ લઈ ધબધબાટી બોલાવે તેવી સંભાવના છે.
સમગ્ર રાજ્યના સીઝનના સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો કચ્છમાં ૯૦.૩૮ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે નોર્થ ગુજરાતના પાટણમાં ૩૨.૯૯ ટકા, બનાસકાંઠામાં ૨૩.૫૧ ટકા, મહેસાણામાં ૨૮.૮૮ ટકા, સાબરકાંઠામાં ૨૯.૩૪ ટકા, અરવલ્લીમાં ૨૮.૨૨ ટકા અને ગાંધીનગરમાં ૨૯.૨૭ ટકા મળી નોર્થ ગુજરાતનો સરેરાશ ૨૯.૨૭ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં ૩૯.૧૦ ટકા, ખેડામાં ૩૫.૩૨ ટકા, આણંદમાં ૨૬.૧૪ ટકા, વડોદરામાં ૨૭.૨૩ ટકા, છોટા ઉદેપુરમાં ૨૬.૯૯ ટકા, પંચમહાલમાં ૨૭.૬૪ ટકા, મહીસાગરમાં ૨૭.૬૧ ટકા અને દાહોદમાં ૧૮.૮૧ ટકા મળી ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં ૨૮.૮૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રની વિગતો જોઈએ તો સુરેન્દ્રનગરમાં ૪૯.૯૫ ટકા, રાજકોટમાં ૭૧.૨૮ ટકા, મોરબીમાં ૬૮.૨૭ ટકા, જામનગરમાં ૧૦૭.૭૯ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૧૭૭.૨૮ ટકા, પોરબંદરમાં ૧૨૧.૧૯ ટકા, જૂનાગઢમાં ૭૬.૭૬ ટકા, ગીર સોમનાથમાં ૭૨.૬૯ ટકા, અમરેલીમાં ૮૩.૫૨ ટકા, ભાવનગરમાં ૫૦.૪૦ ટકા, બોટાદમાં ૬૪.૧૨ ટકા મળી સૌરાષ્ટ્રમાં કુલ ૭૮.૧૪ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સાઉથ ગુજરાતમાં ૪૪.૭૯ ટકા વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જાહેર કર્યું છે.