મેઘાવી માહોલ વચ્ચે બપોરે શહેરમાં અડધો ઇંચ વરસાદ: વાતાવરણમાં ભારે ઠંડક, એકરસ માહોલ, ગમે ત્યારે વરૂણ વ્હાલ વરસે તેવી સ્થિતિ
રાજકોટમાં મેઘાવી માહોલ જામી રહ્યો છે. પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાના કારણે રંગત જામતી નથી. આજે બપોરે શહેરમાં મેઘાની આછેરી મુસ્કાન જોવા મળી હતી. રંગીલા રાજકોટવાસીઓના હૈયે હરખ વ્યાપી જવા પામ્યો હતો. મેઘાડંબર વચ્ચે બપોરે અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. શહેરમાં અત્યાર સુધીમાં મોેસમનો 8॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. બપોરે પડેલા જોરદાર ઝાપટાના કારણે વાતાવરણમાં ભારે ઠંડક વ્યાપી જવા પામી છે. વાતાવરણ એકરસ બની ગયું છે. ગમે ત્યારે મેઘો મન મૂકીને વરસી પડે તેવા આસાર વર્તાય રહ્યા છે.
આજે સવારથી જ અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘાવી માહોલ જામ્યો છે. બપોરે શહેરમાં વરૂણ દેવે વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું હતું. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 11 મીમી વરસાદ વરસી જતા રોડ પર પાણી વહેવા લાગ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં અત્યાર સુધીમાં 191 મીમી વરસાદ વરસી ગયો છે. જૂના રાજકોટની સરખામણીએ નવા રાજકોટમાં મેઘાનું જોર થોડું ઓછું રહ્યું હતું. બપોર સુધીમાં વેસ્ટ ઝોનમાં માત્ર 4 મીમી જ વરસાદ વરસ્યો હતો. જો કે, શહેરમાં સીઝનનો સૌથી વધુ 214 મીમી વરસાદ પડ્યો છે. આજે ઇસ્ટ ઝોનમાં માત્ર 3 મીમી વરસાદ વરસ્યો હતો. અહીં મોસમનો કુલ 113 મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પરંતુ રાજકોટમાં કરકસર સાથે વરસી રહ્યા હોવાના કારણે શહેરીજનોમાં થોડો વસવસો જોવા મળી રહ્યો છે. હવે મેઘરાજા કંજુસાઇ છોડી મન અનરાધાર વરસે તેવું લોકો ઇચ્છા રહ્યા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે વાતાવરણ એકરસ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હોય મેઘરાજા ગમે ત્યારે મન મૂકીને કૃપા વરસાવે તેવા હૈયે ટાઢક આપતા આસાર વર્તાય રહ્યા છે.