સાર્વત્રિક વરસાદ આપે તેવી એક પણ સીસ્ટમ હાલ રાજ્યમાં સક્રિય નથી: સૌરાષ્ટ્રમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના: છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે

ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ નિર્ધારીત સમય કરતા વહેલું બેસી ગયું છે. સૌરાષ્ટ્રના બે ત્રણ જિલ્લાને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે અને ખેડૂતોએ વાવણીકાર્ય પણ આટોપી લીધું છે. આગોતરી વાવણી પર હવે મેઘમહેરની રાહ જોવાઈ રહી છે. ત્યારે થોડા માઠા સમાચારો મળી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક ભારે વરસાદ આપે તેવી હાલ એકપણ સીસ્ટમ સક્રિય નથી. સાર્વત્રીક વરસાદ માટે હજુ ઓછામાં ઓછું એક સપ્તાહ રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું છે. આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અમુક છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા બે દિવસથી વરસાદનું જોર પણ ઘટ્યું છે અને અસહ્ય ઉકળાટ સાથે ગરમીનું જોર વધ્યું છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ પાકિસ્તાન પર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેની થોડી અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આજે છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. આવતીકાલે વરસાદનો વિસ્તારનો વ્યાપ વધશે અને વધુ જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના જણાય રહી છે. જો કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આગામી એક સપ્તાહ સુધી સાર્વત્રીક અને સંતોષકારક વરસાદ પડે તેવી શકયતા ખુબજ નહીંવત છે. હાલ મોન્સુન ટ્રફ છે. છેક પંજાબમાં છે જેનો લાભ સામાન્ય રીતે ગુજરાતને મળતો નથી. બીજી તરફ કોઈ દક્ષિણ અરબી સમુદ્રમાં નવું સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાય તેવી શકયતા જણાય રહી છે પરંતુ તેની તિવ્રતા કેટલી રહેશે અને આ સર્ક્યુલેશન બન્યા બાદ કઈ તરફ મુવ કરે છે તેના પર વરસાદની શકયતા રહેલી હોય છે.

આગામી બે દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અન્ય જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શકયતા રહેલી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં માત્ર છ તાલુકામાં વરસાદ પડ્યો છે તે પણ ઝાપટા સ્વરૂપે વહેલા વરસાદના કારણે વાવણીકાર્ય પૂર્ણ થયું છે હવે ખેડૂતો કાગડોળે મેઘમહેરની રાહ જોઈ રહ્યાં છે. આવામાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યમાં આજ સુધી મૌસમનો કુલ ૧૪.૩૪ ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ ૨૫.૧૭ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં ૧૦.૫૦ ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૪.૦૩ ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં ૨૨.૨૫ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો ૮.૪૩ ટકા વરસાદ પડ્યો છે.

આજે સવારથી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડી રહ્યાં હોવાના અહેવાલો મળી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વાવણીલાયક વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા હવે ખેતરોમાં રોપેલા બિયારણો બળવા લાગ્યા હોવાની ફરિયાદો પણ ખેડૂતોમાં ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.