અંતે સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં કુલ 1 થી લઈ 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લામાં આજથી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત-દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનું આગમન થતાં લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગ અનુસાર પશ્ર્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિસ્તાન અને તેની આસપાસ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બાબત દર્શાવે છે કે, આગામી 5 દિવસ ગુજરાતમાં ચોમાસાની આગેકુચ થવા માટે સાનુકુળ વાતાવરણ છે.
ભાવનગરના ગારીયાધારમાં 4, ઉમરાળામાં ર, વલ્લભીપુરમાં ર, પાલીતાણામાં 1.પ ઇંચ વરસાદ: રાજકોટમાં વરસાદી ઝાપટા, જસદણ-લોધિકામાં દોઢ ઇંચ, કોટડાસાંગાણી અને ગોંડલમાં અડધો ઇંચ તેમજ પડધરીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો
સવારે 6 થી 8માં આણંદમાં 5 અને સુરતના ઓલપાડ અને ચોર્યાસીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો: ઉપલેટા શહેરમાં અડધો અને ઉપલેટાના લાઠી, ભીમોરા ગામમાં 1 ઈંચ વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં મેઘમહેર થઈ છે. આજે વહેલી સવારે 6 થી 8 દરમિયાન આણંદમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ઓલપાડ અને ચોર્યાસીમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં બાબરામાં 3, કાલાવડ, લાઠીમાં ધોધમાર 2 ઈંચ અને કુકાવાવ-બાબરા-જસદણ અને લોધીકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. પડધરીના ગામડાઓમાં નોંધપાત્ર 1 ઈંચ વરસાદ નોધાયો હતો. આ ઉપરાંત ભાવનગરના ગારીયાધારમાં 4 ઈંચ, ભાવનગર સિટીમાં 3, અમરેલીના લાઠીમાં 3, ભાવનગરના ઉમરાળા, વલ્લભીપુર અને પાલીતાણામાં 2 ઈંચ, બોટાદમાં 1 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 1 ઈંચ, મોરબીના હળવદમાં 1 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 1, મુળીમાં 1, જામનગરના ધ્રોલમાં અડધો, ભાવનગરના જેસરમાં અડધો, તળાજામાં 6 મીમી, વળીયામાં 5 મીમી અને પડધરીના ગ્રામ્ય વિસ્તારમાં 23 મીમી વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં તિવ્ર ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોના ચહેરા પર ચમકી આવી છે. ગઈકાલે સાંજે મધ્ય રાજકોટમાં જોરદાર ઝાપટુ પડતા રસ્તામાં પાણી ફરી વળ્યા હતા. પશ્ર્ચિમ રાજકોટમાં ખાલી રસ્તા ભીના કરતો વરસાદ પડ્યો હતો. રાજકોટના મધ્યમાં 8 મીમી અને પૂર્વમાં 7 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં સાંજે 6 સુધીમાં ધોધમાર 1 થી 3 ઈંચ વરસાદથી માર્ગો પર પાણી ભરાયા હતા. જસવંતગઢ, ચીતલ, મોણપર, જીવાપર, ધરાઈ, વાવડી, ભીલા, પીપળીયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.