આજે જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં મેઘરાજાએ વિધિવત પધરામણી કરી દીધી છે. આજે બપોરના સાડા ત્રણ વાગ્યે વરસાદનું એક ભારે ઝાપટું જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં આવ્યા હોવાના વાવડ મળી રહ્યા છે. જેને લઇને ખેડૂતો સહિત આમ જનતામાં હરખની હેલી પ્રસરી છે, તો બીજી બાજુ કાળ જાળ ઉનાળામાંથી મુક્તિ મળશે તેવો લોકો અહેસાસ કરી રહ્યા છે.
છેલ્લા થોડા દિવસોથી જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી વાદળા બંધાવવાનું શરૂ થયું હતું, અને આજે આવશે… કાલે આવશે… તેવી લોકો મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ મેઘો મંડાતા તો ન હતો. અને ભીમ અગિયારસ પણ વરસાદ વગર કોરી ગઈ હતી. ત્યારે આજે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં એકાએક વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો અને વરસાદનું એક મોટું ઝાપટું જૂનાગઢ શહેરમાં આવ્યું હતું તે સાથે જિલ્લાભરમાં પણ હળવાથી ભારે વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.જોકે હજી આકાશ ઘટાટોપ વાદળછાયુ નજરે પડી રહ્યું છે અને વીજળીના કડાકા-ભડાકા થઈ રહ્યા છે ત્યારે સાંજ સુધીમાં સોરઠ પંથકમાં મેઘો ધમાકેદાર વરસી પડે તેવું જણાઈ રહ્યું છે