રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત સાંજના સમયે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે મેઘરાજાનો મૂડ ફર્યો હોય તેમ બપોરના સમયે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર ઝાપટું પડ્યું હતું. રાજમાર્ગો પર વરસાદના પાણી વહેવા લાગ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોરદાર તડકા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લોકો કંઇ સમજે તે પહેલા જ જાણે ચોમાસાની સિઝનમાં જે રિતે વરસાદ વરસતો હોય તેવા મોટા છાંટા સાથે આકાશમાંથી પાણી વરસવાનું શરૂ થઇ ગયું હતું. સતત અડધા કલાકથી વધુ સમય માટે વરસાદ પડતા વાતાવરણ મેઘાવી બની ગયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સાયક્લોનિક સરર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજુ બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજના સમયે વરસાદ પડતો હતો પરંતુ આજે જાણે મેઘરાજાનો મૂડ ફર્યો હોય તેમ બપોરે વરસવાનું શરૂ કરી દીધું હતું. જે રિતે તડકો જામ્યો હતો તે જોતા એવું લાગતું હતું કે આજે વાતાવરણ ક્લિયર થઇ જશે. જો કે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હતો અને જોતજોતામાં વરસાદ પડવાનું શરૂ થઇ ગયું હતું.

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 6 મીમી, વેસ્ટ ઝોનમાં 3 મીમી અને ઇસ્ટ ઝોનમાં 5 મીમી જેટલો વરસાદ વરસી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. હજુ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો હોય સાંજે પણ કમોસમી વરસાદનો કહેર જારી રહે તેવું લાગી રહ્યું છે. ગુજરાત સ્થાપના દિન નિમિતે આજે રાત્રે કોર્પોરેશન દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પર પણ માવઠાની મુસિબત ઝળુંબી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોળી-ધૂળેટીના તહેવારમાં કોર્પોરેશન દ્વારા હિન્દી હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે પણ સમી સાંજે અચાનક જોરદાર માવઠું વરસતા કાર્યક્રમ છેલ્લી ઘડીયે રદ્ કરવાની ફરજ પડી હતી. આજે પણ સંગીત સંધ્યાના કાર્યક્રમ સામે જોખમ જણાય રહ્યું છે.

06

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 49 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે રાજ્યના 9 જિલ્લામાં માવઠુ વરસશે. આવતીકાલે પણ મેઘાવી માહોલ યથાવત રહેશે. કમોસમી વરસાદના કારણે યાર્ડમાં પડેલી જણસીને ભારે નુકશાની થવા પામી છે. રાજુલાના બાબરિયાધાર પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. લાલપુરના હરિપર ગામે ભાગવત સપ્તાહનો મંડપ ધરાશાયી થઇ ગયો હતો. ગોંડલની બજારોમાં પણ પાણી ભરાયા હતા. રાજકોટમાં પણ રવિવારે બપોરે વિજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર ઝાપટુ વરસી ગયુ હતું.

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ કચ્છ ઉપરાંત રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી માવઠાનું જોર ઘટશે. રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. બુધવારથી સુર્યનારાયણ આકાશમાંથી અગ્નીવર્ષા કરશે.

ગઇકાલે રાજુલા અને લાલપુર પંથકમાં વૈશાખ માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો. ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજુલાના બાબરિયાધારની ઉતાવળી નદીમાં ભર ઉનાળે ઘોડાપુર આવ્યા હતા. લાલપુરના હરીપર ગામે ભારે પવન સાથે વરસાદ ભાગવત સપ્તાહનો ડોમ ધરાશાયી થઇ જતા ભાવિકોને સામાન્ય ઇજા થવા પામી હતી. ગોંડલના રાજમાર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેમ માવઠાના પાણી વળ્યા હતા.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 49 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વાળોદ, ડોલવાણ, પલાસણા, માતર, મહેસાણા, બોટાદ, ચોટીલા, ઉંઝા, સિધ્ધપુર, રાધનપુર, સુઇગામ, માલપુર, કોટડા સાંગાણી, મહેમદાવાદ, નખત્રાણા, સાવરકુંડલા, તળાજા, લીંબડી, ઘોઘા અને જેસરમાં વરસાદ પડ્યો હતો.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામે ચાલતી ભાગવત સપ્તાહમાં હવામાન પલટો અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા કથા મંડપના ડોમ ને ભારે નુકસાન થયું હતું. તોફાની પવનના કારણે ડોમના પડદા અને માચડો વગેરે ઉડ્યા હતા. જેથી ભારે ભાગદોડ મચી ગઈ હતી. કથા શ્રવણ કરવા માટે આવેલા છ શ્રોતાગણોને નાની મોટી ઈજા થઈ છે, અને તેઓને લાલપુરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.