અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્
અષાઢમાં બારે મેઘ ખાંગા થવાને બદલે ભાદરવાની જેમ છુટોછવાયો વરસાદ, મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં વરસ્યા, બાકી કોરૂ ધ્રાકડ રહ્યું
અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્…. આ પંક્તિ અષાઢમાં કેવો વરસાદ હોય તેનું વર્ણન કરે છે. અષાઢમાં બારે મેઘ ખાંગા થાય છે અને મેઘરાજાની કૃપા સાર્વત્રિક વરસે છે. પણ કમનસીબે આ વર્ષે અષાઢમાં ભાદરવા જેવો માહોલ છવાયો છે. જ્યાં વરસાદ છે ત્યાં છે. બાકી નજીકના 2-3 કિમિ વિસ્તારમાં કોરું ધાકડ વાતાવરણ જોવા મળે છે. આવા વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. પણ અમુક વિસ્તારો પ્રત્યે જ મેઘરાજા ઓળઘોળ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો છે. અહીં 2.5 ઈચ વરસાદ પડ્યો છે. મહેસાણાના સતલાસણામાં 2.5 ઈચ વરસાદ, સાબરકાંઠાના વડાલીમાં 2 ઈચ જેટલો વરસાદ, સુરતના માંગરોળમાં 1.5 ઈચ વરસાદ, સુરતના માડવીમાં 1.5 ઈચ વરસાદ, સાબરકાંઠાના વિજયનગરમાં 1.5 ઈચ વરસાદ, મહિસાગરના વિરપુરમાં 1.5 ઈચ વરસાદ, તાપીના સોનગઢમાં 1.5 ઈચ વરસાદ, અમરેલીના ખાંભામાં 1.5 ઈચ વરસાદ, વડોદરાના કરજણમાં 1.5 ઈચ વરસાદ, નવસારીના ગોધાવીમાં 1 ઈચથી વઘારે વરસાદ નોંધાયો છે. હાલના સમયમાં મેઘરાજા જાણે હાઉકલી કરી રહ્યા હોય તેમ સાર્વત્રિક વરસાદ હજુ નોંધાયો નથી. જ્યાં વરસાદ પડે છે. ત્યાં પડે છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં
વરસાદ મન મુકીને વરસે છે. ત્યાંથી થોડા અંતરે જાણે ભર ઉનાળો ચાલતો હોય તેવો માહોલ સર્જાયો છે. ભર અષાઢે ભાદરવા જેવો છુટોછવાયો વરસાદ પડી રહ્યો હોય જગતાત ચિંતામાં મુકાઈ ગયો છે.
સામન્ય રીતે અષાઢમાં બારે મેઘ ખાંગા થતા હોય છે. ખેતરો પાણી- પાણી થઈ જતા હોય છે. પણ આ વખતે મોટાભાગના વિસ્તારોમાં હજુ મેઘરાજા હાઉકલી જ કરી રહ્યા છે. હવે ખરા અષાઢની જેમ મેઘરાજા વરસે તેવું જગતાત ઈચ્છી રહ્યા છે.
આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં જ 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે. 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે.
અષાઢમાં પણ મોટાભાગના વિસ્તારોમાં અસહ્ય બફારો
અષાઢમાં મેઘરાજા સાર્વત્રિક વરસ્યા ન હોય, છુટોછવાયો જ વરસાદ પડ્યો હોય મોટાભાગના વિસ્તારોમા અસહ્ય બફારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ જાણે ભરઉનાળો ચાલી રહ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ મેઘરાજા પણ થોડી વાર વરસીને જતા રહ્યા બાદ તડકો નીકળતા ફરી વાતાવરણ ગરમી પકડી તેવી ઘટના યથાવત રીતે બની રહી છે.