વિસાવદર, જોડીયા, ખંભાળીયામાં ચાર ઇંચ, કલ્યાણપુર, કુતિયાણા, માણાવદર અને ભેંસાણમાં ત્રણ ઇંચ વરસાદ
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 155 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ સતત વરસાદ ચાલુ છે. હજી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
દક્ષિણ પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર સર્જાયુ છે. જે દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન સુધી સક્રિય છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાથી લઇ કર્ણાટકના દરિયાકાંઠા સુધી ઓફશોર ટ્રફ વિસ્તરેલો છે. જ્યારે દક્ષિણ ભારત સુધી સેયર ઝોન વિસ્તરેલો છે. જેની અસરના કારણે આગામી 12 જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.
બપોરે બે વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર પાંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ જવા પામી હતી. જૂનાગઢના વિસાવદરમાં ચાર ઇંચ, જામનગર જોડીયા અને દ્વારકાના ખંભાળિયામાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. કલ્યાણપુર, કુતિયાણા, માણાવદરમાં ત્રણ ઇંચ, ભેંસાણ, ધોરાજી, કાલાવડમાં અઢી ઇંચ, જૂનાગઢ, વડીયા, વંથલી, જામ જોધપુર, ભાણવડ, બગસરામાં બે ઇંચ, મેંદરડા, બાબરા, ગાંધીધામમાં પોણા બે ઇંચ, જામનગર, જેતપુર, લીલીયા, ધ્રોલ, અમરેલી, ધારીમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. કેશોદ, રાણાવાવ, લાલપુર, ગોંડલ, બોટાદ, જામ કંડોરણા સહિતના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. સવારથી બપોર સુધીમાં 155 તાલુકાઓમાં મેઘકૃપા વરસી રહી છે. હજી 12મી સુધી સતત વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.