રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૨૪ તાલુકાઓમાં મેઘમહેર: ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ૯ ટિમો રાજ્યના અલગ અલગ ભાગોમાં તૈનાત કરવામાં આવી

વિસાવદર, વેરાવળ, સાવરકુંડલા, નવસારી, માંગરોળ અને તારાપુરમાં ૩ ઈંચ વરસાદ, માણાવદર, ભેંસાણ, ધોરાજી, વલસાડ, કુતિયાણામાં ૨॥ ઈંચ વરસાદ: મોરબીનાં માળીયામિંયાણા, રાણાવાવ, ભાવનગર, જેતપુર, મહુવામાં ૨ ઈંચ વરસાદ: અમરેલી, રાજુલા, કેશોદ, લીંબડી, ગોંડલ, સુત્રાપાડા, બાયડ, હળવદ અને ઉનામાં ૧ થી દોઢ ઈંચ સુધી વરસાદ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાએ જાણે બઘડાસટી બોલાવી હોય તેમ મેઘો મન મૂકી વરસી રહ્યો છે. ગત રાત્રીના રાજકોટ સહિત જાફરાબાદ, વિસાવદર, વેરાવળ, સાવરકુંડલા, નવસારી અને મંગરોળમાં ૩ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હજુ પણ આગામી ૨ દિવસ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ૨ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં ગત રાતે મીની વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. માત્ર ૪૫ જ મિનિટમાં ૩ ઇંચથી વધુ વરસાદ રાજકોટમાં પડતા રોડ-રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે રાજકોટના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

બંગાળની ખાડીમાં ઉદ્દભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયકલોનીક સર્ક્યુલેશનની અસરતળે આગામી ૮ ઓગષ્ટ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી ૩ દિવસ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. જો કે આગામી ૮ ઓગષ્ટ બાદ વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન પણ હાલ એક્શનમાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ૯ ટિમો રાજ્યના અલગ અલગ ભાગોમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. જેમાં એનડીઆરએફની ૩ ટીમને દક્ષિણ ગુજરાતમાં અને ૫ ટીમને સૌરાષ્ટ્રમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે એક ટીમને તકેદારીના ભાગરૂપે ગાંધીનગર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૪ તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં અમરેલીના જાફરાબાદ, તાપીના ડોલવાન અને રાજકોટમાં સાડા ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વિસાવદર, વેરાવળ, સાવરકુંડલા, નવસારી, માંગરોળ, તારાપુરમાં ૩-૩ ઈંચ જ્યારે માણાવદર, ભેંસાણ, ધોરાજી, વલસાડ, કુતિયાણા, વડીયા, મોરબીના માળિયા-મીયાણા, રાણાવાવ, ભાવનગરમાં અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે જેતપુર, મહુવા, અમરેલી, રાજુલા, કેશોદ, લિબડી, ગોંડલ, સુત્રાપાડા, બાયડ, વાંકાનેર અને જૂનાગઢ સિટીમાં ૨ ઈંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

ઉપલેટા પંથકની વાત કરીએ તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે આખો દિવસ બફારા બાદ સાંજે ૮ વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક ધોધમાર વરસાદ વર્ષયો હતો. કોલકી ગામે હરિભાઈ જાવીયાના બંધ મકાનમાં પર વીજળી પડતા પાણી નો ટાંકો તૂટ્યો હતો. જ્યારે નાગવદર ગામે પણ વીજળી પડ્યાંના સમાચાર પ્રાપ્ત થયા હતા. જો કે કોઈ જાનહાની થવા પામી ન હોતી.

ભારે પવને વિનાશ વેર્યો : ૨૫ ગામોમાં અંધારપટ્ટ છવાયો, ૫૩૭ ફીડરો બંધ થયા

પીજીવીસીએલની આખી રાત યુદ્ધના ધોરણે કામગીરી : હજુ અનેક સ્થળોએ વીજળી ગુલ

20200806 092215

સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે વરસાદ સાથે ભારે પવન પણ હતો. જેના પગલે નુકસાન પણ નોંધાયું છે. સૌથી વધુ વિજતંત્રને નુકસાન થયું છે. અનેકવિધ વીજપોલ ધરાશાયી થયા છે. કુલ ૪૬ ગામોમાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ્ટ છવાયો હતો. જેમાં રાજકોટ રૂરલના ૬, મોરબીના ૪, જામનગર ૮, અંજારના ૬ અને અમરેલીના એક ગામનો સમાવેશ થાય છે. આ સાથે કુલ ૫૩૭ ફીડરો પણ બંધ થયા હતા. જેમાં રાજકોટ સિટીના ૪૭, રાજકોટ રૂરલના ૩૪, મોરબીના ૧૩૧, પોરબંદરના ૨૭, જામનગરના ૧૩૩, ભુજના ૫૩, અંજારના ૭૧, અમરેલીના ૧૮, સુરેન્દ્રનગરના ૨૩ ફીડરનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે મોટાભાગના સ્થળોએ વીજપુરવઠો ખોરવાયો હતો. જેના પગલે આખી રાત પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગિરી કરી હતી.

અનેક સ્થળોએ વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાયી, જર્જરિત ઇમારતોને પણ નુકસાન

DSC 0155

ગઈકાલે મેઘરાજા ભારે પવન સાથે અચાનક વર્ષી પડતા ઠેર ઠેર નુકસાન જોવા મળ્યું હતું. અનેક ફેકટરીઓના પતરા ઉડી ગયા હતા. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આ સાથે જર્જરિત ઇમારતોને નુકસાન પણ થયું હતું. ઉપરાંત અનેકવિધ હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. વધુમાં અનેક સ્થળોએ વીજપોલ પણ નમી ગયા હતા. વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓમાં અનેક વૃક્ષો વાહનો ઉપર પડ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આમ ગઈકાલના વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. જો કે કોઈ જાનહાનિ થયાના અહેવાલો હજુ સુધી જાહેર થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.