નવસારી અને વલસાડમાં આજથી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી મેઘાના મંડાણ: 24 કલાકમાં 126 તાલુકામાં હેત વરસાવ્યા બાદ સવારથી 48 તાલુકામાં કૃપા વરસાવતા મેઘરાજા
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમ પણ ડીપ્લોયમેન્ટ માટે તૈયાર કરી દેવાઈ
વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી આજે સવારથી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે.આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 126 તાલુકાઓમાં વરસાદ પડયા બાદ સવારથી 48 તાલુકામાં મેઘકૃપા અવિરત વરસી રહી છે. ગુજરાતમાં ચોમાસાના આરંભની સાથે જ મેઘરાજાએ બરાબરની જમાવટ કરી છે. છેલ્લા પાંચ દિવસથી રાજયમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 126 તાલુકામાં વરસાદ પડયો હતો. સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ પડયો હતો. આજે સવારથી બારડોલીમાં વરસાદ પડી રહ્યો છે. મહુવામાં પાંચ ઈંચ, નવસરીમાં પાંચ ઈંચ, પલસાણામાં પાંચ ઈંચ, વલસાડમાં આડા ચાર ઈંચ, ગણદેવીમાં સાડા ચાર ઈંચ, જલાલપોર, વ્યારા, પારડી, ખેરગામ, ચિખલીયા, ચારઈંચ ધરમપુર, સુરતમાં સાડા ત્રણ ઈંચ, કોલવાણમાં 3 ઈંચ, મુંદ્રા-ઘોઘા, કામરેજ વલ્લભીપુર, વાપીમાં અઢી ઈંચ કપરાડા નેત્રાંગ, ઉમરપાડા, સોનગઢ, મહુવા, માંડવી, ઉમરગામમાં બે ઈંચ વરસાદ પડયો હતો.
સોનગઢ, મહુવા (ભાવનગર), મહુવા, ઉમરગામ, લાઠીમાં પોણાબે ઈંચ, ખંભાળીયા, સુબીર, સનખેડા, મુળીમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.
રાજયમાં 126 તાલુકાઓમાં ગઈકાલે વરસાદ પડયા બાદ આજે સવારથી રાજયમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસ હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાંઆવી છે.ચોમાસાનાં સતાવાર આગમન સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જગતાતના હૈયે હરખની હેલી વ્યાપી જવા પામી છે. રાજયમાં સિઝનનો સરેરાશ 15 ટકા વરસાદ વરસી ગયો છે.
કચ્છ રિજીયનમાં સૌથી વધુ 69.47 ટકા વરસાદ પડયો છે.જયારે સૌરાષ્ટ્રમાં 21.73 ટકા , ઉતર ગુજરાતમાં 20.93 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 6.72 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 6.50 ટકા વરસાદ પડયો હતો.
દક્ષિણ ગુજરાતમા ગઈકાલ સાંજથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાના કારણે નીચાણ વાળશ વિસ્તારોમાં પાણી ભરાયા હતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
6 જળાશયો હાઇ એલર્ટ પર, 3 ડેમ એલર્ટ પર
નવસારી અને વલસાડમાં 30મી સુધી અતિભારે વરસાદ ખાબકશે
રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં આઇએમડીના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ 5ડવાની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 06 જળાશય હાઈ એલર્ટ,
03 એલર્ટ, 01 વોર્નિંગ પર છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવેલ છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
આજે રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ચોમાસાના આરંભે જ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ, ભાવનગર, બોટાદ અને અમરેલીમાં મેઘમહેરથી લોકો ઝૂમી ઉઠ્યા છે. આટલું જ નહીં હજુ 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમ પણ ડીપ્લોયમેન્ટ માટે તૈયાર કરી દેવામાં આવી છે. આજે રાજકોટ, જામનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે
વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ભરૂચ, ડાંગ અને તાપીમાં પડી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થશે. ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસુ બેસી ગયું છે. 3 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસુ ફરી વળ્યું છે. સામાન્ય ધારણા મુજબ 15 દિવસના બદલે 3 દિવસમાં ચોમાસુ ફરી વળ્યું. માનવામાં આવી રહ્યું છે કે ચોમાસુ ખૂબ જ ઝડપથી આગળ વધી ગયું છે. આ સાથે દેશના તમામ રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ સેવાઈ રહી છે.
આજે 10 જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ વિશે વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.