મુન્દ્રામાં ૪ ઇંચ, ધોરાજીમાં સાડા ૩ ઇંચ, જાફરાબાદ- ઉપલેટા-માણાવદર-દ્વારકામાં ૩ ઇંચ, કુતિયાણા-કલ્યાણપુર- વંથલી- વિસાવદર-જામકંડોરણા- લાલપુર-ભેસાણ-જૂનાગઢમાં અઢી ઇંચ, જેતપુર- જામજોધપુર-ખંભાળીયા-લોધિકામાં બે ઇંચ વરસાદ

અગાઉની નુક્સાનીનો હજુ સર્વે પણ શરૂ થયો નથી ત્યાં વધુ એક વખત પાકને નુકસાન થતા ખેડૂતોના હાલ બેહાલ

મેઘરાજાએ ફરી સૌરાષ્ટ્ર- કચ્છને ધમરોળ્યું છે. જેમાં સૌથી વધુ મુન્દ્રામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધોરાજીમાં સાડા ૩ ઇંચ, જાફરાબાદ- ઉપલેટા-માણાવદર-દ્વારકામાં ૩ ઇંચ, કુતિયાણા-કલ્યાણપુર- વંથલી- વિસાવદર -જામકંડોરણા- લાલપુર-ભેસાણ-જૂનાગઢમાં અઢી ઇંચ, જેતપુર- જામજોધપુર -ખંભાળીયા-લોધિકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

કચ્છમાં લોકલ સિસ્ટમ સક્રીય થયા બાદ જિલ્લા મથકે શનિવારે ધોધમાર સાડા ત્રણ ઇંચ બાદ રવિવારે જિલ્લામાં સવારથી જ ઉકળાટ સાથે ધુપછાંવ ભર્યો વાતાવરણ રહ્યો હતો. બપોર બાદ ૪ વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કચ્છમાં મુન્દ્રા તાલુકો ૨થી ૪ ઇંચથી તરબતર થયો હતો તો સતત બીજા દિવસે વરસાદી ઝાપટાંથી અન્ય ૩ તાલુકા અબડાસા, માંડવી અને ભચાઉ તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી હતી.વરસાદનો બીજો રાઉન્ડ લાંબો રહ્યા બાદ વરસાદે થોડા દિવસ પોરો ખાધો હતો, જેથી ખેડૂતોને વાવણી સહિતનો ખર્ચ નીકળે તેવી આશા હતી પરંતુ છેલ્લા બે દિવસથી ફરી વરસાદ શરૂ થતાં તે આશા પણ ઠગારી નીવડે તેવી દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજા રાઉન્ડના વરસાદથી વાડી, ખેતરો સુકાયા નથી તેવામાં ત્રીજા રાઉન્ડ સાથે મેઘરાજા લીલા દુષ્કાળ ભણી આગળ ધપી રહ્યા છે.

orig 55 1600033911

મેઘરાજાએ એન્ટ્રી મારતા પ્રથમ વીજપુરવઠો ખોરવાયો

મુન્દ્રામાં ઢળતી સાંજે ધૂમધડાકા અને ભયાવહ વીજળી સાથે ધોધમાર વરસાદ ખાબકતા ચોમેર પાણીના ધુરિયા વહી નીકળ્યા હતા અને મામલતદાર કચેરીએ ચાલીસ મિનિટમાં ૯૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ બાદ સાંજે ૬.૩૦ના સમયગાળા દરમ્યાન ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી મારતા પ્રથમ વીજપુરવઠો ખોરવાયો હતો. ત્યારબાદ ભેંકાર શાંતી વચ્ચે ગગન ગડગડાટ અને વીજળીના ચમકારા જારી રહેતા નગરમાં ભયનું મોજું ફેલાયું હતું.નગરના નીચાણવાળા વિસ્તારો હસનપીર બજાર, નદીવાળું નાકુ, ઓસવાળ શેરી, ડો બાબાસાહેબ આંબેડકર નગર, ખારવા ફળિયું વગેરેમાં વહી નીકળેલા પાણીએ ઘરોના ઉંબરે દસ્તક દીધી હતી. જ્યારે ઝંડાચોક આદર્શ ટાવર, જૂના બંદર રોડ પર પાણીનો ભરપૂર કેડ સમો ભરાવો થતા અનેક દ્વિચક્રી વાહનો અટવાયા હતા.

જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સમાઘોઘા, ભુજપુર, ઝરપરા, દેશલપર, પ્રાગપર, કપાયા, બરાયા, બોચા, બાબિયા, બેરાજા, વડાલા, લુણી, શેખડિયા, ભદ્રેશ્વરમાં પણ ભારે ગાજવીજ સાથે કલાકમાં સરેરાશ બેથી ત્રણ ઇંચ પાણી પડ્યું હોવાના અહેવાલ સાંપડ્યા હતા. પંથકમાં ભારે વરસાદને પગલે મોડી સાંજે કોઈ નુકસાની કે, વીજ પ્રપાતના બનાવ અંગે નાયબ મામલતદાર યશોધર જોશીનો સંપર્ક સાધતા તેમણે હજી સુધી સદભાગ્યે આવો કોઈ બનાવ સામે આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. ભચાઉ તાલુકામાં દિવસભરના બફારા બાદ વીજળીના ચમકારા સાથે કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. એકથી દોઢ ઇંચ પડી જતા ખરીફ પાકને સંપૂર્ણ નુકસાન થયું હતું. કપાસ વાવેતરના સમયથી શરૂ થયેલા વરસાદના કારણે ખેડુતોએ ચાર-ચાર વખત બિયારણ વાવવા છતા ઉપરાપરી વરસાદ પડતાં ફરીથી કપાસિયા બિયારણ ચોટી ગયા હોવાનું માણાબા સરપંચ અકબરભાઇ હાજી અલ્લારખાભાઇ રાઉમાએ જણાવ્યું હતું. તાલુકાના શિકારપુર, જંગી, સામખિયાળી, લલિયાણા, વાંઢિયા સહિતના ગામોમાં ઝાપટાંથી લઇને એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. અગાઉના વરસાદથી ખેતર, વાડીઓ સુકાઇ નથી તેવામાં ફરી પડેલા વરસાદથી પાણી ભરાઇ ગયા હતા. તો વળી નલિયા, ડુમરાની બજારોમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. .

ભચાઉ તાલુકાના વાંઢિયામાં રવિવારે જોરદાર વ૨સાદથી ખેડૂતો પાયમાલ બન્યા છે અને પાકને ૧૦૦ ટકા નુકસાન થયું છે. ગત વર્ષનું પાક નુકસાનીનો વીમા હજુ ચુકવાયો નથી કે, સહાય પેટેની રકમ રૂ. ૧૩,૬૦૦ ચુકવાયા નથી. વરસાદથી જિલ્લાના મોટાભાગના ખેતરો, વાડીઓમાં પાણી ભરાઈ ગયા છે અને મોલ પણ સડી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.