ગીરનાર પર 7 ઇંચથી વધુ વરસાદ: નદી-નાળા છલકાયા, સોરઠમાં પ્રકૃત્તિ સોળેકળાએ ખિલી ઉઠ્યું
આગામી શનિવાર સુધી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઇકાલે જૂનાગઢ પંથકને મેઘરાજાએ રિતસર ધમરોળી નાખ્યા હતા. 10 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢવાસીઓને પીવાનું પાણી પૂરું પાડતા વિલીગ્ડન ડેમમાં એક જ દિવસમાં 10 ફૂટ જેટલા પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.
જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ગીરનાર પર્વત પર સાત ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંગરોળ તાલુકામાં 119 મીમી પડ્યો હતો.
જ્યારે જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. મેંદરડામાં ત્રણ ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે વંથલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. માળીયા હાટીનામાં બે ઇંચ અને માણાવદરમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વિસાવદર અને ભેંસાણ તાલુકાઓમાં માત્ર હળવા ઝાપટા પડ્યા હતા. આજે સવારથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માણાવદર, કેશોદ અને મેંદરડામાં વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં મોસમનો કુલ 30.16 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સોરઠ પર મેઘો મહેરબાન થયો છે અને છેલ્લા પાંચ દિવસથી સતત વરસતા વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાની લગભગ તમામ નદીઓમાં પુર આવતાં નદીઓ બે કાંઠે થઈ છે. તો જિલ્લાના 4 ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે.
ગઈકાલે જૂનાગઢમાં 24 કલાક દરમિયાન 4 ઇંચ તથા ગિરનાર અને દાતાર ડુંગર તથા જંગલ વિસ્તારમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા, જુનાગઢની સોનરખ, કાળવા અને લોલ નદી ગાંડીતૂર બની હતી, જ્યારે દામોદર કુંડ બે કાંઠે અને નરસિંહ મહેતા તળાવ છલકાયો હતો. બીજી બાજુ ભારે વરસાદના કારણે જુનાગઢ શહેર માં પાણી પાણી થઈ ગયું હતું અને અનેક રસ્તાઓ તથા વિસ્તારો પાણીથી ભરાયા હતા. તો જોશીપરાનો અંડર બ્રિજ સ્વિમિંગ પૂલમાં ફેરવાયો હતો. ભારે વરસાદ અને ખોદાયેલા રસ્તાના કારણે અનેક સ્થળે વાહન ફસાયાના તથા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જુનાગઢ શહેર સહિત જુનાગઢ જિલ્લામાં મેઘરાજાની છેલ્લા પાંચ દિવસથી આવીરત, અનરાધાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢ શહેરમાં 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો ગિરનાર અને દાતારના ડુંગર ઉપર 7 ઇંચથી વધુ વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે. આ સાથે મેંદરડામાં 3 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ, માણાવદરમાં દોઢ ઇંચ, માળિયામાં 2 ઇંચ, વંથલીમાં અઢી ઇંચ સહિત જિલ્લામાં ગઈકાલે છેલ્લા 24 કલાક દરમિયાન કુલ સાડા એકવીસ ઇંચ જેટલો વરસાદ થયો છે.
સોરઠા પંથકમાં સતત વરસાદ વરસતા વરસાદ અને તેમાંય ખાસ કરીને જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના કુલ સરેરાશ વરસાદના 30 ટકા જેટલો વરસાદ એટલે કે આ સીઝનનો 115 ઇંચ વરસાદ જુનાગઢ જિલ્લામાં થઈ જવા પામ્યો છે. તો બીજી બાજુ જુનાગઢ જિલ્લાનો ઓજત શાપુર, ઓજત વંથલી, ઓજત આણંદપુર તથા જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ છલકાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
જૂનાગઢમાં એકધારા પાંચ દિવસથી પડી રહેલા શ્રીકાર વરસાદના કારણે સમગ્ર જુનાગઢ જિલ્લો પાણી પાણી થઈ જવા પામ્યો છે. જેના લીધે વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે. જો કે ઘેડ પંથકમાં અમુક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા ઘેડ પંથકના ખેડૂતો હવે વરાપની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા હજુ વરસાદની આગાહી થઈ રહી છે. અને આજે સવારથી જ જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે, ત્યારે જાણકારો દ્વારા જુનાગઢના અમુક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી સંભાવના વક્ત વ્યક્ત થઇ રહી છે.
જુનાગઢના સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદની સાથે જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વતની સાથે સમગ્ર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે જેના કારણે છેલ્લા 3 દિવસથી જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત ઉપરથી નાના મોટા ઝરણાઓ સતત વહી રહ્યા છે, અને દાતારની સીડી તથા ગિરનારની સીડી ઉપરથી જાણે નદી વહેતી હોય તેવા અનેક અદભુત વિડિયો સોશિયલ મીડિયામાં જુનાગઢવાસીઓ દ્વારા આવા વીડિયો વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. અને આવા વિડિયો સોશિયલ મીડિયામાં લાખોની સંખ્યામાં લાઈક મેળવી રહ્યા છે
જુનાગઢ શહેરની જો વાત કરીએ તો, જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે જ્યારે 4 ઇંચ જેટલો વરસાદ જુનાગઢ પર મહેરબાન થતા જુનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર વિપુલ પ્રમાણમાં પાણી ભરાયા હતા. જેના કારણે જોષીપરાનો અંડર બ્રિજ સ્વિમિંગ પૂલમાં ફેરવાયો હતો, જ્યારે શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલા અશોક નગર સહિતની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ સાથે શહેરના અનેક માર્ગો ભૂગર્ભ ગટર માટે ખોદકામ થયું હોય અને રસ્તાઓ વનવે જેવા બની ગયા છે ત્યારે જ ભારે વરસાદથી રોડ ઉપર પાણી ફરતા અને સ્થળોએ વાહનો ખાડામાં ફસાયા હતા. તો જુનાગઢ – રાજકોટ હાઇવે પર આવેલ જીઆઇડીસી વિસ્તારમાં એક બસ અને લોડેડ ટ્રક રસ્તાની સાઈડમાં થયેલા ખોદાણના ખાડામાં ફસાયો હતો. જેને મનપાએ જેસીબી મોકલી બહાર કાઢ્યા હતા. પરંતુ આ દરમિયાન કલાકો સુધી જુનાગઢ – રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.
ગઈકાલે મંગળવારે બપોરના સમયે એક તરફ ધોધમાર વરસાદ ચાલુ હતો ત્યારે વૈભવ ચોક નજીક આવેલા રેલવે ફાટક પાસે એક મોટો ખાડો પડી જતા નાના વાહનો ફસાઈ જતા હતા. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો તેવા સમયે જૂનાગઢના વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકજામના દ્રશ્યો નજરે પડતાં તેઓ વરસતા વરસાદમાં કમાન્ડો સાથે જીપ માંથી નીચે ઉતરી બંને બાજુનો ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. અને બાદમાં રેલવે પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. રાધા મોરી તથા સ્ટાફ સાથે સંકલન કરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના સ્ટાફ દ્વારા ટ્રાફિકનું નિયમન કરાવી, ચાલુ વરસાદે રેલવે વિભાગના સ્ટાફ દ્વારા ખાડો પુરાવી વાહન ચાલકોની તકલીફ દૂર કરી હતી.