જિલ્લામાં અડધાથી અઢી ઇંચ વરસાદ : અમુક વિસ્તારમાં કરા પડયા, માળીયાની ફલકું નદીમાં આવ્યું પુર વૃક્ષો ધરાશાયી : લાઠોદ્રામાં ડેલો પડતા વૃધ્ધનું મોત
કેશોદ, માળીયામાં અઢી ઈંચ, માણાવદરમાં સવા ઈંચ, મેંદરડા અને વિસાવદરમાં અર્ધો ઈંચ
નિસર્ગ વાવાઝોડાંના પ્રભાવ સાથે સોરઠમાં ભીમ અગિયાર ઉપર સુકાન સાચવતો ગાજવીજ સાથેનો અડધાથી બે ઇંચ સુધીનો તો અમુક જગ્યાએ કરા સાથે વરસાદ થયાના વાવડ મળી રહ્યા છે, તો ભારે પવનના કારણે ગ્રામ્ય પંથકમાં વૃક્ષો ધરાશયી થયા હોવાના અને વાવાઝોડા તથા વરસાદના કારણે માળીયા પંથકમાં એક ડેલો ધરાશાયી થતા ૫૫ વર્ષીય એક વૃધ્ધનું મોત થવા પામ્યું છે. ભારે પવનના કારણે મધુરમ નું બસ સ્ટોપ ધરાસઈ થયું હતું.
માળીયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામે ભારે પવન અને વરસાદના કારણે એક ડેલો ધરાશાયી થતાં ડેલા નીચે ભીખાભાઈ ડાકી (ઉ.વ. ૫૫) નામના આધેડનું મોત નીપજ્યું હતું. જ્યારે માળિયામાં ૬૦ મીમી જેવો વરસાદ નોંધાવા પામ્યો છે, માળીયા વિસ્તાર દરિયા કિનારાથી નજીક હોવાથી ભારે પવનના સૂસવાટા વચ્ચે અમુક સમય માટે કરાનો વરસાદ વરસ્યો હતો અને ખેતરોમાંથી પાણી નીકળી જવા પામ્યા હતા તો માળીયા ની ફલકું નદીમાં પુર આવી જવા પામ્યું હતું.
આ જ રીતે કેશોદમાં સાંજના ૪ વાગ્યે ભારે પવન સાથે લગભગ ૧૦ મિનિટ સુધી કરાનો વરસાદ થયા બાદ ૫૭ મીમી વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો, જેને લઇને કેશોદના નીચાણવાળા વિસ્તારમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાઈ જતા આ વિસ્તારોના લોકોમાં પાલિકા સામે રોષ ભભૂક્યો હતો. માણાવદરમાં પણ ૩૨ મીમી વરસાદ નોંધાતા મારિયાના સહિતના ગ્રામ્ય પંથકમાં ખેતરોમાંથી પાણી વહેતા થયા હતા, તો ભેસાણમાં ૧૭ મીમી વરસાદ નોંધાયો હતો અને એક ટેમ્પા ઉપર ઝાડ પડ્યું હતું, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
જ્યારે મેંદરડામાં પણ ૧૭ મીમી જેટલો વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો, બાગમાં અનેક કેરીઓ ખરી પડી હતી, વિસાવદરમાં પણ ૧૦ મીમી વરસાદ થતા શહેરમાં રસ્તા ઉપર પાણી નીકળી જવા પામ્યા હતા. જો કે, જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પણ કરા સાથે વરસાદ થયા હોવાના વાવડો મળી રહ્યા છે, આ જ રીતે જુનાગઢ તાલુકાના અમુક ગામડાઓમાં પણ ખેતરોમાં પાણી નીકળી જાય તેવા વરસાદના ઝાપટા પડયા હોવાની સાથે ભારે પવનના અહેવાલોની સાથે વંથલીના ખોખરડા, લુશાળા, કણજામાં પણ વરસાદના ભારે ઝાપટા સાથે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હોવાના અને સૂસવાટા મારતા પવનના સમાચાર સાંભળવા મળી રહ્યા છે.
જો કે, આ અંગે જૂનાગઢ ફ્લડ કંટ્રોલ રૂમ પાસે જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં ૫૭ મીમી. ભેસાણમાં ૧૭ મીમી, માણાવદરમાં ૩૨ મીમી, માળિયામાં ૬૦ મી, મેંદરડામાં ૧૭ મીમી. વિસાવદરમાં ૧૦ મીમી. ના જ આંકડા નોંધાયેલ છે, જ્યારે જૂનાગઢ જિલ્લા ફ્લડ ક્ધટ્રોલના જણાવ્યા અનુસાર માંગરોળ, વંથલી, જુનાગઢ ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયેલા નથી ત્યારે જિલ્લામાં નિસર્ગ વાવાઝોડા અને છૂટા છવાયા વરસાદે જુનાગઢ કંટ્રોલ રૂમની પ્રથમ વખતમાં જ લોલમલોલ ખુલ્લી પાડી દીધી છે.
કારણ કે, માંગરોળ વિસ્તારમાં સાંજના ચાર વાગ્યાના અરસામાં પાંચ મિનિટ સુધી કરા સાથે અને ત્યારબાદ છૂટો છવાયો વરસાદ થયો હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે, આ જ રીતે વંથલી પંથકમાં પણ હળવા જાપટા પડયા હોવાની વાત છે, જ્યારે કંટ્રોલરના આંકડા નીલ બતાવાય રહ્યા છે. બીજી બાજુ વાવાઝોડાની આગાહીને લઇને જુનાગઢના માંગરોળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાય ચૂક્યું છે, માંગરોળ બંદરમાં માછીમારી કરવા ગયેલી ૧૮૫૦ જેટલી મોટી બોટોને માંગરોળ બંદર ઉપર પરત બોલાવી લેવામાં આવી હતી, જેમાંથી માંગરોળ બંદરની કેપેસીટી ન હોવાથી અમુક બોટોને ઓખા બંદર ખાતે લાંગરી દેવામાં આવી છે. તથા દરિયા ખેડૂને દરિયામાં ન જવા અને દરિયામાં જોરદાર કરંટ જોવા મળી થયો છે ત્યારે લોકોને દરીયા કીનારા ઉપર નહી જવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ચોપડાના જણાવ્યા અનુસાર, હાલમાં નિસર્ગ વાવાઝોડું આઇડીફાય થઈ રહ્યું છે અને આજે બુધવારના બપોરના અઢી વાગ્યાથી લેન ફોલ થશે, ત્યારે આગામી બે દિવસો દરમિયાન જુનાગઢ જિલ્લા સહિત ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ૩૦ થી ૩૫ કિ.મી.ની આસપાસથી ભારે પવન ફૂંકાઈ શકે તેમ છે, સાથો સાથ બે દિવસે દરમિયાન જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવોથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
તા. ૩ અને ૪ એમ બે દિવસ સુધી વાવાઝોડાની અસર જૂનાગઢ જિલ્લા સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળશે અને આ વિસ્તારોમાં ૩૦ થી ૩૫ કિ.મી.ની આસપાસ પવન ફૂંકાય તથા હળવા થી લઇ અઢી ઈંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે.