લોધિકામાં સાડા ત્રણ ઇંચ, કોટડા સાંગાણીમાં અઢી ઇંચ, ધોરાજીમાં ૨ ઇંચ, જસદણ અને વિંછીયામાં દોઢ ઇંચ, ઉપલેટા, પડધરી, રાજકોટ અને જેતપુરમાં ૧ ઇંચ વરસાદ
અબતક, રાજકોટ
રાજકોટ શહેરમાં ભલે ગાજ્યા મેહ વરસ્યા ન હોય પરંતુ જીલ્લા પર મેઘરાજા જાણે ઓળઘોળ થઇ ગયા હોય તેમ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં જાણે બારે મેઘખાંગા થયા હોય તેમ સાબેલાધારે ૬ ઇંચ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઇ જવા પામી હતી. જિલ્લાના અનેક જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સવારથી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
આજે સવારે પૂરા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ૪૪ મીમી, ગોંડલ તાલુકામાં ૧૪૧ મીમી, જામકંડોરણામાં ૧૮ મીમી, જસદણમાં ૩૪ મીમી, જેતપુરમાં ૨૮ મીમી, કોટડા સાંગાણીમાં ૬૨ મીમી, લોધિકામાં ૮૬ મીમી, પડધરીમાં ૨૨ મીમી, રાજકોટમાં ૨૮ મીમી, ઉપલેટામાં ૩૧ મીમી અને વિંછીયામાં ૩૯ મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં આજ સુધીમાં મૌસમનો કુલ ૫૬.૦૩ ટકા વરસાદ વરસી ગયો છે. ગોંડલમાં સાંબેલાધારે ૬ ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે વાસાવડી નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. શહેરમાં ગોઠણ ડૂબ પાણી ભરાઇ ગયા હતાં.
ભારે વરસાદને કારણે કોલેજ ચોક, જમનાબાઇ હવેલી ચોક, જે.કા.ચોક સહીત રાજમાર્ગો પર પાણી ભરાયાં હતાં. રાતાપુલ, ઉમવાડા અને આશાપુરા અંડરબ્રીજ માં ગોઠણબુડ પાણી ભરાતાં વાહન વ્યવહારને અસર પંહોચી હતી. ખોડીયાર નગર પાસે રેલ્વે પુલ નીચે પાણી ભરાતા સ્વિફટ કાર પાણીમાં ફસાતા લોકોની મદદથી બહાર કઢાઇ હતી. શહેરમાં ભુગભઁ ગટર ની અડધણ કામગીરી ને કારણે શહેર માં ઠેરઠેર પાણી ભરાતાં નદી વચ્ચે શહેર હોય તેવો માહોલ સર્જાયો.
તાલુકાના વાંસાવડ, દેવળીયા, ધરાઇ,રાંદલનાં દડવા સહીતનાં વિસ્તારોમાં અઢી થી ત્રણ ઇંચ વરસાદ પડયો છે. વરસાદ ને કારણે વાસાવડી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જામવાડી ગામમાં વિષ્ણુભાઈ જેરામભાઈ ઠુમર તથાં તેની બાજુમાં રહેતાં તેનાં ભાઇ દિલીપભાઇનાં મકાન પર વિજળી ખાબકતાં ઘરમાં રહેલાં વિજ ઉપકરણો ને ભારે નુકસાન પંહોચ્યુ હતું. સદનશીબે જાનહાની થઇ નથી. શિવરાજગઢ, કમરકોટડા, માંડલકુંડલા, શ્રીનાથગઢ, દેવચડી, બાંદરા પંથકમાં બે થી અઢી ઇંચ તથા ભુણાવા,ભરુડી પટ્ટીમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.