સુત્રાપાડામાં 24 ઇંચ, વેરાવળમાં 23 ઇંચ, માંગરોળમાં 17 ઇંચ, ધોરાજીમાં 12 ઇંચ, કોડીનારમાં 9॥ ઇંચ, માળીયા હાટીનામાં 8॥ ઇંચ, જામ કંડોરણામાં 7 ઇંચ વરસાદ: સોરઠમાં અતિભારે વરસાદથી ભારે તારાજી: ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર
સોમનાથ હાઇવે પાણીમાં ગરકાવ: નદીઓમાં ઘોડાપુર, ઘર અને દુકાનોમાં વરસાદના પાણી ઘૂસી જતા ખાના-ખરાબી જેવી દયનીય સ્થિતિ
ગળાડૂબ પાણી ભરાયા, મંદિરો પણ પાણીમાં ગરકાવ: ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની સ્થિતિ વધુ વણસી હજુ ભારે વરસાદ ચાલુ
એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ રિતસર ધમરોળી નાંખ્યા છે. મેઘ તાંડવના કારણે સોરઠની સ્થિતિ સતત વણસી રહી છે. છેલ્લા 20 કલાકથી સોરઠ પંથકમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે જળા બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સોમનાથ હાઇવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. વરસાદના પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘૂસી જતા ખાના-ખરાબી જેવી સ્થિતિ સર્જાઇ છે. ગળાડૂબ પાણી ભરાઇ ગયા છે. મંદિરો પણ ગરકાવ થઇ ગયા છે. હજુ સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. સુત્રાપાડામાં જાણે આભ ફાટ્યું હોય તેમ સુપડાધારે 24 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે વેરાવળમાં પણ 23 ઇંચ પાણી પડી ગયું હતું.
માંગરોળમાં 13 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 176 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 22 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ગઇકાલ બપોરથી બારે મેઘ ખાંગા થયા હોય તેવું લાગી રહ્યું છે. આજે સવાર સુધીમાં સુત્રાપાડામાં 22 ઇંચ, વેરાવળમાં 19 ઇંચ, તાલાલામાં 12 ઇંચ, ધોરાજીમાં 12 ઇંચ, કોડિનારમાં 9 ઇંચ જેટલો અનરાધાર વરસાદ વરસી ગયો હતો. દરમિયાન સવારથી સર્વત્ર જોરદાર વરસાદ પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં 7 ઇંચ, ઉપલેટામાં 5 ઇંચ, મેંદરડા-માળીયા હાટીનામાં 4॥ ઇંચ, કેશોદમાં 3 ઇંચ, વિસાવદર, માણાવદરમાં 2॥ ઇંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન સવારથી ફરી સોરઠ પંથકમાં મેઘાનું જોર વધ્યું છે. સવારે બે કલાકમાં જુનાગઢના માંગરોળમાં 6 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે માળીયા હાટીનામાં 4 ઇંચ, વેરાવળમાં 4 ઇંચ અને સુત્રાપાડામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. કેશોદ, કોડિનાર, મેંદરડા, વંથલી, કાલાવડ, જૂનાગઢ, તાલાલા, વાંકાનેર અને રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે.
સોરઠ પંથકમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હિરણ નદી ગાંડીતૂર બની છે. વેરાવળ-કોડિનાર હાઇવે બંધ કરી દેવાની ફરજ પડી છે. હિરણ નદીના પાણી ગામમાં ઘૂસી જવાના કારણે સોનારીયા ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. વાહનો પણ ડૂબી ગયા છે. ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ગીર સોમનાથ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાથે વાતચિત કરી સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
ભારે વરસાદના કારણે માધવપુરનું પ્રાચિન પૌરાણિક મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. તાલાલાની અનેક સોસાયટીઓમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. સુત્રાપાડાની સ્થિતિ કફોડી બની જવા પામી છે. ગામમાં પણ હોડીઓ ચલાવી પડે તેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા માટે રિતસર વિનવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર
સતત વરસી રહેલા વરસાદના કારણે આજે જિલ્લા કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ગઇકાલ બપોરથી જિલ્લામાં મેઘરાજાએ મુકામ કર્યો છે. મેઘો વિરામ લેવાનું નામ લેતો ન હોય સ્થિતિ સતત કથળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. સ્થિતિ ખૂબ જ વિકટ બની જવા પામી છે. અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે.
ધોરાજીમાં પાણીમાં 60 લોકોનું પોલીસે કર્યું રેસ્ક્યૂ
ધોરાજીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12 ઇંચ જેટલો વરસાદ વરસી જતા સંપર્ક શહેરમાં પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. શહેરના પંચનાથ મહાદેવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે 60 લોકો પાણીમાં ફસાઇ ગયા હતા. જેનું પોલીસ જવાનો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ધોરાજીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા છે. વાહનો રિતસર પાણીમાં તણાઇ રહ્યા છે. ભારે વરસાદના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે.