ગઈકાલ સવારથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં શહેરમાં ૭ ઈંચ વરસાદ: મૌસમનો ૩૮ ઈંચ: થોડીવાર મેઘરાજા મન મુકીને વરસે છે તો થોડીવાર નીકળે છે ઉઘાડ
રાજકોટમાં મેઘરાજાનો રજવાડી મિજાજ જોવા મળી રહ્યો છે. ગઈકાલ સવારથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં શહેરમાં ૭ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફલો થઈ ગયા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે આજી ડેમ સતત ઓવરફલો થઈ રહ્યો હોવાના કારણે શહેરના મધ્યમથી પસાર થતી આજી નદી બે કાંઠે વહી રહી છે. રામનાથ મહાદેવ મંદિર ફરી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આજે સવારથી લઈ બપોર સુધીમાં શહેરમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. થોડીવાર માટે મેઘરાજા અનરાધાર વરસી પડે છે તો થોડીવારમાં આકાશ એકદમ ચોખ્ખુ થઈ જાય છે. હજુ ૪૮ કલાક રાજ્યમાં સાર્વત્રીક ભારે થી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.ગઈકાલ સવારથી મેઘરાજાએ રાજકોટ પર હેત વરસાવવાનું શરૂ કર્યું છે. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૨॥ ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ મેઘાનું જોર વધ્યું હતું. મધરાત્રે ૩ વુાગ્યે જોરદાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેના કારણે આજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. સવાર સુધીમાં શહેરમાં ૫॥ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દરમિયાન સવારથી મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. ફાયરબ્રિગેડના રેકોર્ડ પર ગઈકાલ સવારથી આજે બપોર સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૮૦ મીમી વરસી ગયો છે. મૌસમનો કુલ ૯૨૧ મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. વેસ્ટ ઝોનમાં ૧૬૭ મીમી (મૌસમનો કુલ ૯૩૭ મીમી), ઈસ્ટ ઝોનમાં ૧૪૫ મીમી (મૌસમનો કુલ ૮૧૮ મીમી) વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના રેકોર્ડ પર આજે બપોર સુધીમાં શહેરમાં ૧૩૬ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે અને મૌસમનો કુલ ૯૫૦ મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાય છે. જ્યારે કલેકટર કચેરી સ્થિત ફલ્ડ કંટ્રોલરૂમના રેકોર્ડ પર આજે છેલ્લા બે દિવસમાં રાજકોટમાં ૧૬૫ મીમી વરસાદ પડ્યો છે અને મૌસમનો ૯૫૬ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે મહાપાલિકાના કંટ્રોલરૂમ ખાતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાની ૭ ફરિયાદો નોંધાઈ છે.
જ્યારે કૃષ્ણનગર મેઈન રોડ અને પંચશીલ સોસાયટી પાસે સાગર હોલ નજીક ૮૦ ફૂટ રોડ પર વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદો નોંધાઈ છે. સતત બે દિવસથી વરસાદના કારણે આજી નદી ગાંડીતૂર બનતા નીચાણવાળા વિસ્તારમાંતક્ષ ૧૭૭૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં એસડીઆરએફની ૧ ટીમ તૈનાત
રાજકોટમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ ૪૮ કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવામાં રાહત અને બચાવ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ૧૪ ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે ૧૨ ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. રાજકોટ માટે એસડીઆરએફની ૧ ટીમ ફાળવી દેવામાં આવી છે અને અને એસડીઆરએફની ૧ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, કચ્છ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, બનાસકાંઠા, મહિસાગર, મોરબી, વલસાડ, સુરત અને પાટણમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ ૯ જિલ્લામાં એસડીઆરએફની ૨ ટીમો સહિત કુલ ૧૨ ટીમોને સ્ટેન્ડ ટુ રહેવા સુચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના કુલ ૧૨ રસ્તાઓ બંધ છે. જેમાં લુણાગરી, દુધીવદર રોડ, એસએચથી રંગપર, સરપદળ રોડ, ખજૂરડીથી ખોડાપીપર રોડ, ધોકળવા, ખંભાળા, ન્યારા રોડ, નારણ-આણંદપર રોડ, ગઢાળા-એપ્રોચ રોડ, મોટાવડા-ખીરસરા રોડ, દેવડા રોડ, નગર પીપળીયા રોડ, કાંગસીયાળી, ધોઢલા, વિરવા અને ખાંભા રોડ, પાલ ઢોલરા રોડ અને નોંધુ પીપળીયા એપ્રોચ રોડ બંધ છે.
રાજકોટ જિલ્લામાં સવારથી સાર્વત્રીક વરસાદ: ગોંડલમાં ૭ ઈંચ
ધોરાજી, જામકંડોરણા અને જેતપુરમાં ૪ ઈંચ વરસાદ: જિલ્લામાં ૧૪૫ ટકા જેટલો વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેસર હાલ મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર સ્થિર થતાં સૌરાષ્ટ્રમાં જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દિવસભર અને આખી રાત અનરાધાર હેત વરસાવ્યા બાદ આજે સવારથી રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જિલ્લામાં સાર્વત્રીક ૧ થી લઈ ૭ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ગોંડલમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં ૭ ઈંચ વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે. બપોરે ૨ વાગ્યા સુધીમાં ઉપલેટા તાલુકામાં ૬૪ મીમી, કોટડા સાંગાણીમાં ૬૭ મીમી, ગોંડલમાં ૧૭૬ મીમી, જેતપુરમાં ૯૦ મીમી, જસદણમાં ૪૨ મીમી, જામકંડોરણામાં ૯૫ મીમી, ધોરાજીમાં ૯૪ મીમી, પડધરીમાં ૨૭ મીમી, રાજકોટ શહેરમાં ૫૪ મીમી, લોધીકામાં ૬૨ મીમી અને વિંછીયામાં ૩૪ મીમી વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે જિલ્લામાં ૧૯૮૯ થી લઈ ૨૦૧૮ સુધીમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ ૬૪૧.૫૫ મીમી વરસાદ વરસે છે. જેની સામે આજ સુધીમાં જિલ્લામાં ૮૦૫ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે જે ૧૪૫ ટકા જેવો થવા પામે છે. આ લખાય છે ત્યારે પણ જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધીંગીધારે વરસાદ વરસી રહ્યો છે.