ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકા, નાટક, જીવનચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ વર્ણન જેવા વિવિધ વિષયોના પુસ્તકો રખાયા
વડોદરા સ્થિત પોલીસ કમિશ્નરની કચેરી, મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ હેડ-કવાર્ટર અને ગુજરાત સરકારના ઐતિહાસિક મધ્યવર્તી પુસ્તકાલય ખાતે ‘મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના થઈ. નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત કરાવવાનું સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક અભિયાન છે. છેલ્લા ત્રણ વર્ષમાં પિનાકી મેઘાણીની પ્રેરણાથી ગુજરાતભરમાં ૪૪ જેટલાં ‘મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ છે જે ખાસ ઉલ્લેખનીય છે.
વડોદરા શહેરના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, મેઘાણી-ગીતોનાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશ્નર સંજય ખરાત (આઈપીએસ) અને મનિષ સિંહ (આઈપીએસ), નિવૃત્ત પોલીસ અધિકારીઓ ભરતસિંહ સરવૈયા, કિશોરસિંહ ચૌહાણ, પી.પી. કાનાણી, જે.બી. ઝાલા, વાય.એ. ભાટીયા, અજયભાઈ ગખ્ખર, આઈ.સી. રાજ અને કિષ્ણા પાટીલ, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર હરજીવનભાઈ પરબડીયા, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના જનરલ મેનેજર (એચ.આર.) ડો. નિલેશભાઈ મુનશી, વડોદરા મધ્યવર્તી પુસ્તકાલયના ઈન્ચાર્જ રાજ્ય ગ્રંથપાલ જે. કે. ચૌધરી, શૈલેષભાઈ શાહ, અમિતભાઈ ત્રિવેદી, મનુભાઈ નિર્મલ, જતીનભાઈ ઘીયા, બકુલભાઈ ઘીયા, વાલજીભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.
વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે અર્પી હતી.
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬*૩*૧ ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં વિષયવાર અહિ મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક ‘કુરબાની’ની કથાઓથી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા ‘કાળચક્ર’ ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો ‘યુગવંદના’, ‘સિંધુડો’, ‘રવીન્દ્ર-વીણા’, ‘વેવિશાળ’, ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘માણસાઈના દીવા’, ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’, ‘સોરઠી સંતો’, ‘રઢિયાળી રાત’, ‘સોરઠી સંતવાણી’ અહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે.