ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે.રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં રાત્રે 1 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ પડી રહ્યો છે. સવારના 8.30 વાગ્યા સુધીમાં રાજકોટમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાદરવા મહિનાની શરૂઆતમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી છે.

કપાસ અને મગફળી સહિતના પાક માટે જરૂરિયાત મુજબનો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદ પગલે કોટડાસાંગણીનો છાપરી ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે ન્યારી-2 ડેમ ઓવરફ્લો થયો છે. શહેરના કાલાવડ રોડ પરના મહિલા કોલેજ અંડર બ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડની ટૂકડીઓ દોડાવવામાં આવી છે. તેમજ મહાપાલિકાનો વિજિલન્સ પોલીસ સ્ટાફ પણ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.