અબતક, રાજકોટ

સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અવસરે ગુજરાત સરકાર દ્વારા કસુંબીનો રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી ગાંધીનગર-મહાત્મા મંદિર તેમજ ૩૩ જિલ્લાઓમાં થઈ હતી. આ બદલ ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીનો ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ હ્રદયથી આભાર માન્યો છે. ૨૦૧૦  સ્વર્ણિમ ગુજરાતથી ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ-કાર્યક્ર્મોની જ્યોત ભારતના હાલના પ્રધાન મંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજ્વલિત કરી હતી.ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે રૂપિયા પાંચ કરોડના ખર્ચે મ્યૂઝીયમ નિર્માણ પામશે તેવી મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર -મહાત્મા મંદિરમાં યોજાયેલ રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્ર્મમાં કરેલી મહત્વપૂર્ણ જાહેરાતને વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓએ સહર્ષ વધાવી લીધી છે. ગાંધીનગર-સેકટર ૧૦માં નિર્માણ થનાર પાંચ માળના ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. ૨૮૪ જેટલાં સરકારી તાલુકા-જિલ્લા ગ્રંથાલયોને — દરેકને ૧૦૦ પુસ્તકોના સમગ્ર મેઘાણી-સાહિત્યના સેટનું વિતરણ કરાયું હતું.

ગ્રંથાલય ખાતા દ્વારા નિર્મિત ઝવેરચંદ મેઘાણીના વેબ-પોર્ટલનું લોકાર્પણ કરાયું હતું, જેમાં સમગ્ર મેઘાણી-સાહિત્ય ઈ-બુક સ્વરૂપે ઉપલભ્ધ રહેશે. આ માટે ૨૧ જી.બી. જેટલી દુર્લભ સામ્રગી-માહિતી પિનાકી મેઘાણીએ લાગણીથી પ્રેરાઈને ગુજરાત સરકારને વિના-મૂલ્યે આપી છે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો આધારિત સ્વરાંજલિ કાર્યક્રમોનું આયોજન થશે. મેઘાણી-ગીતોની હરિફાઈનું આયોજન પણ શિક્ષણ વિભાગ દ્વારા થનાર છે.

ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે પણ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું. ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ તથા તેની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત પણ શિક્ષણ મંત્રીએ લીધી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.