દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અને પ્રસિધ્ધ સંગીત નિયોજક પંકજ ભટ્ટના સંગીતના સથવારે ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ કંડના કામણ પાથર્યા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્ય અને સંગીતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી એમની 125મી જન્મજયંતી વર્ષની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી ગુજરાત સરકાર દ્વારા થઈ રહી છે. આ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ઝવેરચંદ મેઘાણીએ 1934માં રચેલ સદાબહાર ગીત કસુંબીનો રંગના અનન્ય-અદ્વિતીય વિડીયો આલ્બમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગુજરાતના યશસ્વી, સંવેદન શીલ, સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્હસ્તએમના જન્મ દિવસે (સંવેદના દિવસ) એમની કર્મભૂમિ રાજકોટ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત કાર્યક્ર્મ દરમિયાન કસુંબીનો રંગના વિડીયો આલ્બમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાડા-સાત મિનિટના આ રસપ્રદ વિડીયો આલ્બમને ઈન્ટરનેટના માધ્યમથી યુટ્યૂબ તેમજ http://jhaverchandmeghani.org/visual.htm પર નિહાળી શકાશે. આ વિડીયો આલ્બમના પ્રેરણાસ્ત્રોત્ર એવા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને જન્મ દિવસની ભાવભરી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.
કસુંબીનો રંગ વિડીયો આલ્બમમાં ગુજરાતના ખ્યાતનામ 20 જેટલાં લોકકલાકારો અભેસિંહ રાઠોડ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, બિહારી હેમુભાઈ ગઢવી, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, નીલેશ પંડ્યા, અનિલ વેલજીભાઈ ગજ્જર, અનુભા ગઢવી, બિરજુ બારોટ તેમજ લલિતા ઘોડાદ્રા, કિંજલ દવે, રાધા વ્યાસ, વત્સલા પાટીલ, અભિતા પટેલ તથા શ્યામલ-સૌમિલ-આરતી મુનશીએ કંઠ આપ્યો છે. સૂરીલું સંગીત નિયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું છે. કુશળ નિદેર્શન દેવર્ષિ પાઠક(શ્રી હાટકેશ ફોટો-રાજકોટ)નું છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધંધુકાના પૂર્વ-ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા પથદર્શક છે. ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ-સ્થળો ચોટીલા, રાજકોટ, અમરેલી, બોટાદ, રાણપુર, ધંધુકાને પણ આ વિડીયો આલ્બમમાં સાંકળી લેવામાં આવ્યાં છે.
લોકાર્પણ પ્રસંગે પિનાકી મેઘાણી ઉપરાંત રાજકોટ મેયર ડો. પ્રદીપભાઈ ડવ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ (આઈ.એ. એસ.), રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા (આઈ.એ. એસ.), રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (આઈ.પી. એસ.), રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરિક્ષક સંદીપ સિંઘ (આઈ.પી.એસ.), ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, પંકજ ભટ્ટ, હેમંત ચૌહાણ, બિહારી હેમુભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. લોકાર્પણનું સંયોજન નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું.