કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીનું નિધન થતા તેઓનું પણ ચક્ષુદાન કરાયું
ધાર્મિક અંધશ્રધ્ધાને કારણે વિશ્વનાં ૨૫ % થી વધુ અંધ લોકોનું નિવાસ ધરાવતાં ભારતમાં કુલ ૧ કરોડથી વધુ અંધજનો ચક્ષુદાનની રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રનાં નાનકડાં ગામ સાવરકુંડલામાં ૨૧ ઓકટોબરે અનોખી ઘટના બની હતી.
સાવરકુંડલામાં લેબોરેટરી ધરાવતાં મેહુલભાઈ વ્યાસે ચક્ષુદાન માટે મુહિમ છેડી છે. અત્યાર સુધીમાં ૨૫૦ થી વધુ ચક્ષુદાન એકલા હાથે કરાવ્યા છે. સમાજમાં પ્રકાશ ફેલાવવા ભેખ ધારણ કર્યો છે. અનેક વિઘ્નો અને મુશ્કેલીઓની સામે તેમની મહેનત રંગ લાવી. સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરનાં કોઠારીસ્વામી શ્રી પ્રેમસ્વરુપદાસજીનું મૃત્યુ થતાં ચક્ષુદાન કરાવીને સમાજ સમક્ષ એક શ્રેષ્ઠ જીવનનું ઉદાહરણ મૂકયુ છે. પુજ્ય સંતશ્રી જીવતાં તો અનેકનાં જીવન ઉજાળતાં ગયા પણ મૃત્યુ બાદ પણ ચક્ષુદાન કરી બે વ્યક્તિનાં જીવનમાં રોશની ફેલાવતાં ગયા. ધન્ય આ સંતને…લાખ લાખ વંદન…!!!
આપણી આજુબાજુ અનેક લોકો મારા મૃત સગા જો આ જન્મમાં ચક્ષુદાન કરશે તો આવતા જન્મમાં જોઈ નહી શકે એવી અંધશ્રધ્ધાથી પીડાતા હોય છે. બધા ધર્મમાં આવી કોઈને કોઈ અંધશ્રધ્ધાથી આ ચક્ષુદાન-અંગદાનનું કાર્ય અટકતું અટકતું ચાલી રહ્યું છે. અનેક લોકો અંગોની રાહ જોતાં મૃત્યુ પામી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રનાં એક નાનકડા ગામ સાવરકુંડલામાં બનેલો આ હ્દયપ્રેરક કિસ્સો અનેકની આંખ ઉઘાડશે. આપણે દુ:ખ વખતે સંતો, ગુરુજનો પાસે માર્ગદર્શન, પ્રેરણા લેવા જતાં હોય છીએ ત્યારે આ સંતે જીવતાં અને મૃત્યુ બાદ આપણને સૌને એક નવો રાહ ચિન્ધાડ્યો છે. અને ખુદ સંતનાં આ પ્રેરક કર્તૃત્વથી સમાજમાં અનેક લોકોનાં જીવન ઉજ્જવળ બનશે એ નકકી અને આ પ્રેરક પ્રસંગથી અનેક ધર્મનાં સાધુસંતો પણ ચક્ષુદાન-અંગદાન કરતાં ખચકાશે નહી તેવી લાગણી મેહુલભાઈ અને આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ કાર્યકરો કરી રહયા છે. વધુ માહિતી માટે અને સાવરકુંડલા વિસ્તારમાં ચક્ષુદાન માટે મેહુલભાઈ વ્યાસ. ખ : ૯૪ ૨૬ ૨૨ ૮૫ ૭૪નો સંપર્ક કરવો.