સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી થતા મૂરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવાર સુધી સપ્તાહ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. રવિવારે રાજકોટમાં સવારે તડકો નીકળ્યો હતો અને બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બે કલાક સુધી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ વરસાદ પડ્યો હતો.
એક કલાકમાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો. જોકે સામાન્ય વરસાદથી રાજકોટ શહેરના ઠેર-ઠેર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે બપોરે વરસાદી ઝાપટું પડતા સેન્ટ્રલ ઝોનમાં 2 મીમી, વેસ્ટ ઝોનમાં 3 મીમી, ઈસ્ટ ઝોનમાં 1 મીમી વરસાદ પડ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વરસાદ માટેની સિસ્ટમ ફરી સક્રિય બની છે. જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડશે. બુધવાર સુધી હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને પોરબંદર,વેરાવળ, ગીર- સોમનાથ સહિત દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું જોર રહેશે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ રાજકોટમાં વરસાદ પડશે.
રવિવારે સવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 26.7 ડિગ્રી રહ્યું હતું અને મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી હતું. આખો દિવસ પવનની ઝડપ 11 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. સવારે હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા હતું. જેને કારણે દિવસભર બફારો રહ્યો હતો. જોકે સાંજે વરસાદને કારણે ઠંડક પ્રસરી જતા બફારામાંથી રાહત મળી હતી.રાજકોટ જિલ્લામાં લોધિકા અને પડધરી તાલુકાના ગામોમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ બપોર બાદ અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું.
ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ફરી વરસતા કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. હાલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે.રાજકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરીજનો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે.