રાજકોટમાં મોસમનો કુલ ૨૨ ઈંચ વરસાદ
રાજયનાં ૧૪૬ તાલુકાઓમાં મેઘમહેર
મેઘરાજાએ બુધવારે રાજકોટ પર અનરાધાર વ્હાલ વરસાવી શહેરમાં ૩ કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી હતી. રાજકોટમાં આજસુધીમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો કુલ ૨૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજયમાં અવિરત મેઘમહેરના કારણે લોકોમાં ખુશાલીનો સંચાર થયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૧ જિલ્લાના ૧૪૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં ૬૦ મીમી જેટલો વરસી ગયો છે. ગઈકાલે સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. બપોરે મેઘરાજાનું આગમન થયું છે. ત્રણ કલાકમાં અનરાધાર અઢી ઈંચ જેટલો વરસાદ વરસી જતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૪૬ મીમી (મોસમનો કુલ ૫૨૩ મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં ૫૪ મીમી (મોસમનો કુલ ૫૪૬ મીમી) અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૪૬ મીમી (મોસમનો કુલ ૪૪૯ મીમી) વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. હવામાન વિભાગના ચોપડે ગઈકાલે રાજકોટમાં ૬૦ મીમી એટલે કે અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આ સાથે શહેરમાં સીઝનનો કુલ ૫૫૯ મીમી વરસાદ વરસી ગયો છે.
રાજકોટ ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડના ધરમપુર અને પાટડીમાં ૩૪ મીમી, દાહોદના ફતેપુરામાં ૨૮ મીમી, નર્મદાના સાગબારામાં ૨૭ મીમી, ભચમાં ૨૬ મીમી, ડેડીયાપાડામાં ૨૫ મીમી, વાપીમાં ૨૫ મીમી, હાલોલમાં ૨૪ મીમી, સુરેન્દ્રનગરના ચોટીલામાં ૨૨ મીમી, જામનગર શહેરમાં ૨૨ મીમી, સુત્રાપાડામાં ૨૨ મીમી, કપરારામાં ૨૨ મીમી, સનખેડામાં ૨૧ મીમી, વિસાવદરમાં ૨૦ મીમી, નૈત્રાંગમાં ૨૦ મીમી, માંગરોળમાં ૨૦ મીમી અને વાસંદામાં ૨૦ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૪૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. હાલ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર અને અપરએર સાયકલોનીક સરકયુલેશનની સિસ્ટમ સક્રિય હોય રાજયમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો રવિવાર સુધીમાં ૧૨૧.૯૨ મીટરે પહોંચશે
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. મઘ્યપ્રદેશમાં મેઘરાજા મન મુકીને વરસતા નર્મદા ડેમમાં ૯૬ હજાર કયુસેક પાણીની આવક નોંધાઇ છે. છેલ્લા ર૪ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં અધધધ ૩ મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૭.૪૮ મીટરને આંબી ગઇ છે. ગુજરાત રાજયને એક વર્ષ ચાલે તેટલું પાણી ડેમમાં સંગ્રહિત થઇ ચુકયું છે. વધુમાં રવિવાર સુધીમાં નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૨ મીટરને આંબી જાય તેવી શકયતા હોવાનું જાણવા મળ્યું છે.
ન્યારી સહિત ૧૦ જળાશયોમાં નવા નીરની આવક
રાજકોટ સહિતના આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ન્યુ રાજકોટની જળજરીયાત સંતોષતો ન્યારી-૧ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. આ ઉપરાંત અન્ય ૧૦ જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન આજી-૨ ડેમમાં ૦.૧૦ ફુટ, આજી-૩ ડેમમાં ૧.૪૮ ફુટ, ગોંડીમાં ૦.૧૬ ફુટ, ન્યારી-૧માં ૦.૧૬ ફુટ, લાલપરીમાં ૧.૯૮ ફુટ, છાપરવાડીમાં ૦.૩૩ ફુટ, મચ્છુ-૨માં ૦.૬૬ ફુટ, ડેમી-૧માં ૦.૨૬ ફુટ, મચ્છુ-૩માં ૦.૧૬ ફુટ અને ચોટીલાના ત્રિવેણીઠાંગા ડેમમાં ૦.૬૬ ફુટ નવા પાણીની આવક થવા પામી છે.