અસંખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ, અનેક લોકો પાણીમાં ફસાયા: તંત્રે સ્ટેન્ડ ટુ રહી રેસ્કયુ કરી અનેક લોકોનાં જીવ બચાવ્યા
એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક ટીમો બચાવ કામગીરીમાં ઉંધા માથે: રાજકોટ, ચોટીલા, મોરબી, કેશોદ અને માણાવદર સહિતના સ્થળોએ નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયા
મેઘતાંડવે સૌરાષ્ટ્રને ધમરોળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા અનેક લોકો ફસાયા હતા સામે તંત્રએ સ્ટેન્ડ ટુ રહીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરક હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ગઇકાલે વહેલી સવારથી કહેર વર્તાવવાનું શરુ કરતા જળ બંબાકારની સ્થીતી ઉદ્દભવી છે. જેના કારણે ઠેર ઠેર પાણીનાં જ દ્રશ્યો જોવા મળે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો અગાઉથી જ ઓવરફલો હોય ફરી પુષ્કળ પાણીની આવક થતા આ પાણી છોડવામાં આવ્યું હતું. અને નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થવા પામ્યું છે.
કેશોદના ઘેડ બામણાસા ગામે ૧પ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હતા. આ સાથે ચોટીલાના જળ બંબાકારની સ્થીતીમાં બેઠા પુલ પર એક કાર તણાય હતી જેમાં બે લોકો સવાર હતા કાર તણાયાની મદદથી રેસ્કયુ કરી કારને બહાર કાઢી હતી. માણાવદરના પીપલાણા, મટીયાણામાં ૭૫ કુટુંબોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ખુબ પાણી ભર્યા હોય બોટ મારફત રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જો કે સ્થાનીકોએ રેસ્કયુ માટે હેલીકોપ્ટરની પણ માંગ ઉઠાવી હતી. બીજી તરફ કેશોદમાં ઘોડાપુર આવતા બે યુવાનો તણાઇ ગયા હતા. જેમાંથી એકનો બચાવ થયો હતો જયારે બીજાનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.
મોરબીમાં પણ કાર તણાઇ હોવાનું ઘ્યાને આવ્યું છે. સાથે બે થી ત્રણ સ્થળોએથી તંત્ર દ્વારા રેસ્કયુ કરી લોકોને બચાવ્યા હતા. આ ઉપરાંત ગીર સોમનાથમાં પણ ભારે વરસાદથી ત્રિવેણીએ દરીયો અને નદી એક થયા હતા. માંગરોળના શીલગામે દરમિયામા માછીમારી કરવા આવેલા નવસારી તરફની બોટ વધુ વરસાદ અને હવામાનના કારણે કાંઠાતરફ તણાઇ આવી હતી. જો કે ખલાસીઓનો આબાદ બચાવ કરાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઇકાલે વહેલી સવારે ભારે પવનના કારણે બોટ તણાઇ આવી હતી. બોટમાં સવાર તમામ માણસોનો બચાવ કરાયો હતો. વઢવાણમાં સતત વરસાદના પગલે એક જ રાતમાં ૧૭ મકાનો ધરાશાર્યી થયા હતા. જેથી ૧૭ પરિવારો વરસાદના કારણે ઘર વીહોણા થયા છે.
કાર તણાઇ: બે લોકોનો બચાવ
નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું બોટ દ્વારા રેસ્કયુ
ત્રિવેણીએ નદી અને દરિયાનો સંગમ
પોપટપરામાં પાણી પાણી
લક્ષ્મીનગરનું નાલુ પાણીમાં ગરકાવ
અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી
અનેક જર્જરીત મકાનોના કાટમાળ પડયા